Panchmahal

હાલોલ: ફાઇનાન્સ કંપનીનું કલેક્શન કર્મચારીએ રૂ. 2.83 લાખની ઉચાપત કરી

હાલોલ, તા.22

હાલોલ ખાતે આવેલી ફાઇનાન્સ કંપનીમાં ફિલ્ડ કલેક્શનનું કામ કરતા કર્મચારીએ લોન ગ્રાહકોની 2.83 લાખ રૂપિયાની રકમ બારોબાર ચાંઉ કરી જતા ફરિયાદ નોંધાઇ છે.

હાલોલ શહેરના ગોધરા રોડ પર ચિંતામણી કોમ્પલેક્ષની સામે આવેલી આઈ.આઈ.એફ.એલ. સમસ્થા ફાઇનાન્સ કંપની લિમિટેડ કંપની મહિલાઓને ગ્રુપ લોન આપતી કંપની છે. જે આઈ.આઈ.એફ.એલ સમસ્થા ફાઇનાન્સ કંપનીમાં રોહિતભાઈ નરવતભાઈ સરાનીયા , રહે .લસબાની.ગોધરા છેલ્લા બે વર્ષથી ફિલ્ડ કલેક્શનનું કામ કરે છે. જેમાં ગત તારીખ 19/06/2024ના રોજ રોહિતભાઈ કલેક્શનમાં ગયા હતા. ત્યાંથી તેઓએ ફાઇનાન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર અશોકકુમાર ભારતસિંહ પરમારને ફોન કરીને જાણ કરી હતી કે મારી પાસેના આજના કલેક્શનના 84,300 રૂપિયા ક્યાંક પડી ગયેલા છે. જેમાં બીજા દિવસે ઓફિસે આવીને રોહિતભાઈએ બ્રાન્ચ મેનેજરને આ પૈસા આવતીકાલે જમા કરાવી દઈશ તેવી વાત કરી હતી. ત્યારબાદ બે-ત્રણ દિવસનો સમય વીતવા છતાં ઉપરોક્ત રકમ રોહિતભાઈએ જમા ન કરાવતા બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા તેઓને અવારનવાર ફોન કર્યા હતા. પરંતુ તેઓએ રકમ જમા કરાવેલી ન હતી. જેને લઈને આ બાબતે ફાઇનાન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર દ્વારા કંપનીના ડી.એમ. રૂપેશ પ્રજાપતિ ને જાણ કરાવી હતી. જેમાં રૂપેશભાઈએ ઉપરી અધિકારીને જાણ કરતા ઓડિટર દ્વારા અને વિજિલન્સ ઓફિસર દ્વારા ફાઈનાન્સ કંપનીના લોન ગ્રાહકોનું ઓડિટ કરતા રોહીતભાઇની કાળી કરતુતનો પર્દાફાશ થયો હતો. જેમાં રોહિતભાઈ નરવતભાઈ સરાનીયાએ તારીખ 07/06/2024 થી 20/06/2024 સુધી કુલ 178 ગ્રાહકો પાસે રહેતા કાર્ડમાં તેની સહીઓ કરી અમુક લોન ગ્રાહકોને ફાઇનાન્સની રીસીપ્ટ તો આપી તથા અમુક ગ્રાહકોના ઓનલાઇન પદ્ધતિથી પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી તથા અમુક લોન ગ્રાહકો કે જેઓએ લોન ક્લોઝ કરવા માટેના પુરા રૂપિયા રોહિતભાઈને આપેલા હતા તે તમામ રૂપિયા પોતાની પાસે રાખી દર મહિને પોતે તેઓના ખાતાઓમાં ઈ.એમ.આઈ.ભરી આ તમામ ગ્રાહકોની કુલ રકમ મળી કુલ 2,83,420 રૂપિયા રકમની રોહિતભાઈએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું સાબિત થતાં બનાવ અંગે આઇ.આઇ.એફ.એલ. સમસ્થા ફાઇનાન્સ કંપની લિમિટેડના બ્રાન્ચ મેનેજર અશોકકુમાર ભારતસિંહ પરમારે રોહિતભાઇ નરવતભાઈ સરાનીયા સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top