ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા 16 ફેબ્રુઆરીના રોજ 66 નગરપાલિકાઓ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા અને કેટલીક જિલ્લા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો માટેની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષથી ચૂંટણીની રાહ જોતી હાલોલ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેમાં ગત દિવસોમાં જાહેર કરાયેલી ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસથી હાલોલના રાજકીય મોરચે ભારે ચહલપહલ સાથે ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં આજે હાલોલ નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની આખરી ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5 માં 4 મુસ્લિમ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા હતા.
હાલોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની 36 સીટો પૈકીના 30 જેટલા ઉમેદવારોના નામો જાહેર કરી તેની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી .જેમાં નગરના 1 થી 9 વોર્ડ પૈકીના મુસ્લિમ બાહુલ્ય વસ્તી ધરાવતા વોર્ડ નંબર 3 અને 5 માત્ર ભાજપના એક એક ઉમેદવારનું નામ જાહેર કરી ભાજપાએ સૌ કોઈને આંચકો આપ્યો હતો .જેને લઈને રાજકીય મોરચે નીત નવી ચર્ચાઓ ઉઠવા પામી હતી જેમાં આજે ઉમેદવારી પત્રકો ભરવાની છેલ્લી ઘડીએ એકાએક ભારતીય જનતા પાર્ટીએ વૉર્ડ નંબર 3 માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા સલીમભાઈ પાનવાલા ઉર્ફે સરજોનને બક્ષીપંચ બેઠક માટે મેન્ટેટ આપતા રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો હતો જ્યારે વોર્ડ નંબર 5 માં મુસ્લિમ સમાજના અગ્રણી યુવા નેતા એહશાનભાઈ ગુલામહુસેન વાઘેલા (સામાન્ય બેઠક) અજીજુર રહેમાન મજીત દાઢી (બક્ષીપંચ બેઠક) અને આરેફાબીબી બશીર મોહમ્મદ મકરાણી (સામાન્ય સ્ત્રી બેઠક)ને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લડવા માટેનું મેન્ડેટ આપવામાં આવ્યું છે. હાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમવાર બે મહિલા મુસ્લિમ ઉમેદવાર અને બે પુરુષ મુસ્લિમ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા હાલોલના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે.
