Panchmahal

હાલોલ નગરપાલિકાના 9 વોર્ડની તમામ 36 બેઠકો જીતી ભાજપે ઇતિહાસ રચ્યો

હાલોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો



હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે સામાન્ય ચૂંટણીની જાહેરાત થયા બાદ ગત દિવસોમાં ઉમેદવારી પત્રકો ભરવાના અને ઉમેદવારી પત્રકો પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન 19 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અપક્ષના 2 ઉમેદવાર મળી કુલ 21 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જેમાં વોર્ડ નંબર 1 થી 9 વોર્ડ પૈકીના વોર્ડ નંબર 2,3,અને 5 સમરસ જાહેર થયા હતા. જેમાં બાકી રહેલા વોર્ડ નંબર 1,4,6,7,8,અને 9 ની બાકી રહેલી 15 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના 15 ઉમેદવાર, કોંગ્રેસના 3, આમ આદમી પાર્ટીના 3 અને અપક્ષના 5 મળી કુલ 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ યોજાયો હતો. જેની મતગણતરી હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલી એમ.એન્ડ વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે મંગળવારે યોજાઈ હતી જેમાં સવારે 9:00 વાગ્યાથી આરંભ થયેલ મત ગણતરીની પ્રક્રિયામાં સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધીમાં તો તમામ 15 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું જેમાં આ તમામે તમામ 15 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જવલંત જીત મેળવી હાલોલ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાવી તમામ હરીફ ઉમેદવારોને કારમી હાર આપી તમામ 36 બેઠકો ઉપર વ્હાઈટ વોશ સાથે ઐતિહાસિક જીત મેળવી હતી.

હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની આગેવાની અને તેઓના માર્ગદર્શન અને ચાણક્ય નીતિ સાથેની રાજનીતિ સાથે તેમજ ભાજપના જિલ્લા મહામંત્રી અને હાલોલના ચૂંટણી પ્રભારી મયંક દેસાઈ (લાલાભાઇ) અને ચૂંટણી સંયોજક રાજનભાઈ શાહની વ્યુહ રચના અને અથાગ પ્રયત્નોના કારણે 36 પૈકીની 21 બેઠકો બિનહરીફ જીતી લીધી હતી. બાકી રહેલી 15 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોએ આ તમામ 15 બેઠકો પણ જીતી લેતા હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જવલંત જીત થઈ હતી.

ભારતીય જનતા પાર્ટીએ હાલોલ નગરપાલિકા પર કબજો જમાવી 36 એ 36 બેઠકો જીતી લેતા તમામ 36 ઉમેદવારોનું ભાજપા હોદ્દેદારો તેમજ કાર્યકરોએ અભિવાદન કરી તેઓને ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ ભારતીય જનતા પાર્ટીએ જીતની ભવ્ય ઉજવણી સાથે હાલોલ નગરના તમામ 9 વોર્ડમાં ભવ્ય જીતની રેલી યોજી હતી .જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણી હોદ્દેદારો, કાર્યકરો સહિત નગરજનો વિશાળ સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. જે રેલી નગરના તમામ વિસ્તારોમાં ફરી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચી સમાપ્ત થઈ હતી. જેમાં સમગ્ર રેલી દરમિયાન ડી.જે. માં વાગતા ગીતો પર ભાજપાના કાર્યકરોએ નાચતા ગાતા ભાજપની આ ભવ્ય અને ઐતિહાસિક જીતને વધાવી ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરી જીતનું જશ્ન મનાવ્યું હતું.

Most Popular

To Top