Panchmahal

હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે તકરાર, મામલો પહોંચ્યો પોલીસ મથકે



હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર દેવકરણભાઈ ગઢવી વચ્ચે આજે ગુરૂવારના રોજ બપોરના દોઢથી બે વાગ્યાના સુમારે હાલોલ નગરપાલિકાની કચેરી ખાતે ઉગ્ર બોલાચાલી સાથે સાથે ઝપાઝપીની ઘટના બનતા સમગ્ર હાલોલ નગર ખાતે આ મુદ્દે નગરજનોમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે આ બનાવમાં હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરે પોતાની ઉપર વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર દેવકરણ ગઢવીએ હુમલો કરી તેઓની આંગળીને ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો હતો અને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોતાની આંગળીની સારવાર કરાવી હતી . તેઑ હાલોલ પોલીસ મથકે પોતાની ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા. જેમાં હિરલબેન ઠાકરે દેવકરણ ગઢવી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે ગુરુવારે બપોરે તેઓ પોતાની ચેમ્બરમાં પોતાની ફરજને લઈને બેઠા હતા તે દરમિયાન વોર્ડ નંબર એકના પૂર્વ કોર્પોરેટર દેવકરણ ગઢવી ત્યાં ઘસી આવ્યા હતા અને કામના સમયે ઓફિસમાં આવીને બેસી જતા હિરલબેન ઠાકરે તેઓને હમણાં કામ છે થોડીવાર પછી આવો તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જેમ તેમ બોલવા લાગ્યા હતા અને હિરલબેન ઠાકર સાથે ઝપાઝપી કરી તેઓની આંગળીમાં ઇજા પહોંચાડી હતી.જેને લઈને હિરલબેન ઠાકર હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે આંગળીની સારવાર કરાવી હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓએ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ કે.એ.ચૌધરીને પોતાની રજૂઆત કરી લેખીત ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી .જ્યારે સામે પક્ષે દેવકરણભાઈ ગઢવીએ પણ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર આક્ષેપ કર્યો હતો જેમાં દેવકરણભાઈ ગઢવી પોતાના વોર્ડ નંબર એકમાં રેગ્યુલર પાણી ના આવતું હોઇ તેમજ સાફ-સફાઈ રોડ રસ્તા સહિતની અન્ય સમસ્યાઓની રજૂઆત કરવા માટે તેઓ નગરપાલિકાની કચેરીમાં ચીફ ઓફિસરના ઓફિસમાં ગયા હતા. જ્યાં તેઓની સાથે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે અયોગ્ય વર્તન કરી જેમ તેમ બોલી તેઓની ઓફિસમાંથી બહાર નીકળી જવાનું કહી તેઓનો હાથ પકડી ઓફિસમાંથી બહાર કાઢી મુકવા માટે શર્ટ પકડી ઝપાઝપી કરી તેઓની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું . જેને લઈને વોર્ડ નંબર એકના પૂર્વ કોર્પોરેટર દેવકરણભાઈ ગઢવીએ પણ હાલોલ ટાઉન પોલીસ મથકે પોતાની ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા અને હાલોલ ટાઉન પોલીસ મથકે લેખિત અરજી આપી હોવાની માહિતી મળવા પામી છે. જેમાં આજે બનેલા આ બનાવને અનુલક્ષીને હાલોલ ના રાજકીય મોજે ભારે ગરમાવો આવી જવા પામ્યો છે અને સમગ્ર હાલોલ નગરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. નગરમાં તરેહ તરેહની ચર્ચાઓ નગરજનોમાં ઉઠવા પામી હોવાની માહિતી મળવા પામી છે.

Most Popular

To Top