Panchmahal

હાલોલ નગરપાલિકાએ મિલકત વેરો ન ભરતા હરીકૃપા કોમ્પ્લેક્ષની 4 દુકાનો સીલ કરી


હાલોલ નગરપાલિકાની ટીમે આજે નગર ખાતે સપાટો બોલાવી મિલકત વેરો ન ભરનાર એક માલિકની 4 દુકાનો સામે કાર્યવાહી કરી ચારેય દુકાનો સીલ કરતા નગર ખાતે ચકચાર મચી હતી. હાલોલ નગરપાલિકા વિસ્તારમાં વડોદરા રોડ પર એફ.એમ. પેટ્રોલ પંપની પાસે હરિ કૃપા કોમ્પ્લેક્ષમાં મૂળ હાલોલના અને હાલમાં વડોદરા ખાતે રહેતા ખાતે રાણા પંકજભાઈ ડાહ્યભાઈ નામના ઇસમની 4 જેટલી દુકાનો છે. જે દુકાનોનો હાલોલ નગર પાલિકાનો 92009 રૂપિયા જેટલો મિલ્કત વેરો છેલ્લા કેટલાય સમયથી બાકી હતો. જેમાં હાલોલ નગર પાલિકાની વેરા વસુલાત ટીમ દ્વારા આ ચારેય દુકાનોના બાકી નીકળતો મિલ્કત વેરો વસૂલવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ચારેય દુકાનોના માલિક રાણા પંકજભાઈ ડાયાભાઈ દ્વારા પોતાની ચારેય દુકાનોનો બાકી નીકળતો મિલ્કત વેરો ભરવામાં ન આવતા આખરે હાલોલ નગરપાલિકાની વેરા વસુલાતની ટીમે વેરા વસૂલાત બાબતે ગત તા. 21/02/2025 ના રોજ આખરી નોટિસ આપી વેરો ભરી જવા માટેની સૂચના આપી હતી. તેમ છતાં પણ આજ દિન સુધી દુકાન માલિકે પોતાની દુકાનોનો બાકી નીકળતો 92009 રૂપિયા વેરો આજ દિન સુધી ન ભરતા હાલોલ નગરપાલિકાની વેરા વસુલાતની ટીમ આજે એક્શનમાં આવી હતી અને આજે સોમવારે બપોરે 1:00 થી 2:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચારેય દુકાનો સીલ કરી દીધી હતી. જેને લઈને લાંબા સમયથી પોતાના મકાનો તેમજ દુકાનોનો મોટી રકમનો બાકી નીકળતો મિલ્કત વેરો ન ભરતા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ બાબતે હાલોલ નગરપાલિકાની વેરા વસુલાતની ટીમે આગામી દિવસોમા પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે તેવી માહિતી આપી હતી જેમાં જે મિલ્કત ધારકોનો વેરો લાંબા સમયથી બાકી છે તે પોતાનો બાકી નીકળતો મિલકત વેરો આગામી દિવસોમાં ભરી નહી જાય તો આગામી દિવસોમાં આ તમામ મિલકતો સીલ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top