Panchmahal

હાલોલ: ડુમા ગામના યુવકની હત્યા માટે પ્રેમ પ્રકરણ કારણભૂત, આરોપી યુવકો ઝડપાયા





પ્રતિનિધિ જાંબુઘોડા
હાલોલ તાલુકાના રામેશરા ગામે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાંથી ગત સોમવારના રોજ સવારે જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે વચલુ ફળિયામાં રહેતા યુવાન સુરેશભાઈ રમણભાઈ બારીયાની હત્યા કરી તેની લાશ પ્લાસ્ટિકના મીણિયામાં પોટલું બાંધી ફેંકી દીધેલી હાલતમાં મળી આવી હતી .જેમાં બનાવની જાણ થતા હાલોલ નાયક પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી . જેમાં સુરેશ બારીયાના માથા ભાગે ઈજાના નિશાન હોવાના કારણે તેની હત્યા કરી તેના મૃતદેહને મીણીયાના પોટલામાં બાંધી કેનાલમાં ફેંકી દેવાયો હોવાનું જોવા મળતા પોલીસે સુરેશના મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી તેના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી સુરેશની હત્યા કરનારા આરોપીઓનું પગેરું શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તપાસ કરતા સુરેશ ગત તારીખ 13/02/2025 રવિવારના રોજ રાત્રિના સુમારે ડુમા ગામેથી ગાયબ થયો હોવાની માહિતી પોલીસને મળી હતી .જેમાં પોલીસ હાલોલ ટાઉન ઇન્સ્પેક્ટર કે.એ.ચૌધરી, હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા સબ ઇન્સ્પેક્ટર જે.ડી.તરાલ તેમજ સર્વેલેન્સ સ્ટાફની ટીમે બનાવ અંગે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસને તપાસ દરમિયાન સાહેદોના નિવેદનમાં મળેલી હકીકતના આધારે અને હ્યુમન સોર્સીસના માધ્યમથી સુરેશની હત્યા બાબતે ત્રણ યુવકોની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે ત્રણ યુવકોની અટકાયત કરી પૂછપરછ કરતાં સમગ્ર મામલે ચોકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં ડુમા ગામે રહેતા મુખ્ય આરોપી કિશન પ્રભાતભાઈ નાયકે ગામની પરિણિત મહિલાને મારી સાથે બોલવું છે તેમ પૂછેલુ હતું . જે બાબતને લઈને હત્યાનો ભોગ બનનાર સુરેશ અને કિશન વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા કિશને પોતાના હાથમાંનું કડુ સુરેશને માથાના ભાગે મારી માથામાં ગંભીર ઈજા પહોંચાડી સુરેશની હત્યા કરી હતી. જેમાં કિશન નાયકે પોતાના બે મિત્ર ગણપતભાઈ ઉર્ફે વેચાતભાઈ તડવી અને આનંદભાઈ વરસનભાઈ નાયક બંને રહે. ડુમાં તાલુકો જાંબુઘોડાઓની મદદથી સુરેશની લાશને પ્લાસ્ટિકના મીણીયાની થેલીમાં ભરી લઈ મોટરસાયકલ મારફતે લઈ જઈ નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. ત્રણેય આરોપીએ ગુનાના સમયે પોતે પહેરેલા કપડા પણ સળગાવી દીધા હતા. કિશને પોતાના હાથનું લોખંડનું કડુ પણ ફેંકી દીધું હતું. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં સુરેશ બારીયાની હત્યા કરી તેની લાશને પ્લાસ્ટિકના મીણીયાના પોટલામાં બાંધી નર્મદા કેનાલમાં ફેંકી દેનાર ત્રણેયને ઝડપી હત્યાની ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. જેમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓને સાથે રાખી આજે હાલોલ રૂરલ પોલીસે ઘટનાનું રિંકન્ટ્રક્શન કર્યું હતું જ્યારે આ ત્રણેય આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top