Halol

હાલોલમાં તળાવ બ્યુટીફિકેશન માટે આવેલી કરોડોની ગ્રાન્ટમાંથી મલાઈ મેળવવા દુકાનો તોડાઈ: ઉદેસિંહ બારિયાનો આક્ષેપ

જપ્ત કરેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાનો નિકાલ જાહેર હરાજીથી કર્યો કે પોતાના મળતીયાઓને બોલાવીને વેચીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે ?

હાલોલ:

હાલોલ નગર ખાતે થયેલી ડીમોલેશનની કામગીરી તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ ચાલતા અભિયાનને લઈને વિરોધ પક્ષ એવા કોંગ્રેસના હાલોલના માજી ધારાસભ્ય તેમજ માજી મંત્રી ઉદેસિંહ બારીયા દ્વારા પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં આ સમગ્ર કામગીરીને લઈને શનિવારના રોજ તેઓએ પ્રેસ વાર્તામાં જણાવ્યા અનુસાર ભાજપમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. જેની કોઈ તપાસ થતી નથી. આ બંને કામગીરી પર નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.
હાલોલ નગર ખાતે બે દિવસ ચાલેલા ડિમોલેશન બાદ આ કામગીરી પર ગંભીર આક્ષેપો ઉભા કરી તેઓએ જણાવ્યું હતું કે ૩૦ વર્ષ પહેલા નગર પંચાયત દ્વારા બનાવવામાં આવેલી દુકાનો તોડી પાડવી એ ખૂબ જ દુઃખદ બાબત છે. હાલોલ નગરપાલિકાએ આ કૃત્ય કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનું કરેલું છે. જ્યારે દુકાનદારોએ જે તે સમયે હરાજીમાં તે સમયના ૮૦ હજાર રૂપિયા જેટલી માતબર રકમ ડિપોઝિટ પેટે આપેલી છે તેમજ તેનું ભાડું પણ ચૂકવતા હતા. જ્યારે દુકાનો તોડવાનું કારણ એવું અપાયું કે દુકાનો જર્જરિત થઈ ગઈ છે. ગમે તે સમયે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. આ વાત માની લઈએ તો હાલોલમાં ઘણી બધી ઇમારતો ૩૫ થી ૪૦ વર્ષ જૂની છે. તેઓ માટે કેમ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રજા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ચિંતા થતી નથી ? આ દુકાનો તોડ્યા બાદ તળાવ બ્યુટીફિકેશન માટે કરોડોની ગ્રાન્ટ આવેલી છે. જેને લઈને તેઓનો ઇરાદો આર્થિક લાભનો હોઈ શકે છે. તેમાં ભાગ અને મલાઈ ખાવા દુકાનો તોડી પડી છે. આ પ્રકારના ગંભીર આક્ષેપો માજી મંત્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે.
વધુમાં હાલોલ નગરપાલિકા તેના ભ્રષ્ટાચારી વહીવટ માટે જગ જાહેર છે. ભૂતકાળમાં પૂર્વ પ્રમુખ પાસેથી કરોડો રૂપિયા વસૂલવા પ્રાદેશિક કમિશનરે હુકમ કર્યો તે જાગતો પુરાવો છે. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર તેઓના તાનાશાહી વહીવટ માટે હાલોલ નગરમાં જાણીતા છે. આ પ્રકારના ગંભીર આક્ષેપો પ્રેસ વાર્તામાં કરવામાં આવ્યા છે.
જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પ્લાસ્ટિકના ઉદ્યોગો પર દરોડા પાડી કરોડો રૂપિયાના પ્લાસ્ટિકના ઝભલા કબજે કરી નિયમોનું પાલન કર્યા વગર વેચી દીધા છે. જપ્ત કરેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાનો નિકાલ જાહેર હરાજીથી કર્યો કે પોતાના મળતીયાઓને બોલાવીને વેચીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે ? તેની તપાસ કોઈએ કરી નથી. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ચીફ ઓફિસરની મીલીભગત થી પ્લાસ્ટિક ઉદ્યોગ બંધ હાલતમાં છે. અંદાજે ૫ હજાર પરિવારો બેરોજગાર થયેલા છે.

Most Popular

To Top