હાલોલ પંથકમાં આનંદ પ્રમોદના અને રંગબેરંગી પતંગોના પેચ લડાવવાના અવકાશી યુદ્ધના તહેવાર ઉત્તરાયણની જાહેર જનતા દ્વારા રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાલોલ નગર ખાતે ઠેર ઠેર 14 અને 15 જાન્યુઆરી મંગળવારે અને બુધવારે પતંગ રસિયાઓ એ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે પર્વની ઉજવણી કરી હતી અને બંને દિવસે સંધ્યાકાળે ડી.જે.ના તાલે નાચી ફટાકડા ફોડી રંગે ચંગે ઉત્તરાયણ મનાવી હતી. જેમાં હાલોલ નગરના એક વિસ્તારમાં ત્રણ કપલ ઉતરાયણના આનંદ પ્રમોદના ઉન્માદમાં કાયદાનું ભાન ભૂલ્યા હતા અને ઉત્સાહનો અતિરેક પેદા કરી ધાબા ઉપર ત્રણ કપલોએ વારાફરતી જાહેરમાં 2 અલગ અલગ એરગનથી હવામાં 3 વાર ફાયરિંગ કર્યું હતું. જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો વિડિયો હાલોલ ટાઉન પોલીસ સુધી પહોંચતા હાલોલ ટાઉન પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને પોતાના ધાબા ઉપર એરગનથી જાહેરમાં ફાયરિંગ કરનાર વ્યક્તિઓ પાસેથી પોલીસે એરગન જપ્ત કરી હતી અને પોલીસે હાલોલ ટાઉન પોલીસ મથકે ઉત્સાહના અતિરેકમાં કાયદાનું ભાન ભૂલી એરગનથી જાહેરમાં ધાબા ઉપર ફાયરિંગ કરનારા ત્રણેય કપલ સામે કાયદાકીય કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ બનાવને લઈને સમગ્ર હાલોલ પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને આ મુદ્દો નગર ખાતે ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.
