હાલોલ શહેરના કંજરી રોડ પર એશિયાડ નગર સોસાયટીમાં રહેતા 53 વર્ષીય આધેડે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
રાજસ્થાન રાજ્યના જુનઝૂનું જિલ્લાના મલસીસર તાલુકાના વાઘા પ્રતેકી ધાણી પિત્રુસલના મૂળ વતની અને હાલમાં હાલોલ શહેરના કંજરી રોડ પર એશિયાડ નગરમાં રહેતા સત્યવીર ઉર્ફે સતિષ પોકરરામ તેતરવાલ (ઉંમર 53) ના બે બાળકો કેનેડા રહેતા હોઇ સત્યવીર ઉર્ફે સતિષભાઈ અને તેઓના પત્ની કલ્પનાબેન એશિયાડ નગરના મકાનમાં રહેતા હતા. જેમાં તારીખ 17/02/2025 સોમવારના રોજ બપોરે 3:00 વાગ્યાના અરસામાં સત્યવિર ઉર્ફે સતીષભાઈ પોતાના ઘરમાં એકલા હોય કોઈ અગમ્ય કારણોસર પોતાની જીવન લીલા ટૂંકાવી લેવાના ઈરાદા સાથે પોતાના ઘરના પંખા સાથે એક દોરી બાંધી તેના એક છેડાનો ગાળિયો બનાવી પોતાના ગળે ભરાવી સત્યવિર ઉર્ફે સતિષભાઈએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં બનાવના પગલે આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ ટાઉન પોલીસને કરતા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગળે ફાંસો ખાઈ આપઘાત કરનારા સત્યવીર ઉર્ફે સતિષભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે અકસ્માત મોત અંગેની નોંધ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
