ઝાડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પરિવારજનો દ્વારા હત્યાની શંકા
હાલોલ | 22-01-2026
હાલોલ તાલુકાના નવા જાખરીયા ગામના ટેકરી ફળિયામાં રહેતા યુવકનું રહસ્યમય મોત થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આજે સવારે અંદાજે 9 વાગ્યાની આસપાસ હિતેશભાઈ બુધાભાઈ નાયક (ઉ.વ.)નો મૃતદેહ ગામ નજીક આવેલા જામફળીના ઝાડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પ્રાથમિક રીતે આ બનાવને આત્મહત્યાનો ગણવામાં આવી રહ્યો છે.
ઘટનાને લઈને મૃતકના પિતા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે તેમના પુત્રની હત્યા કરીને મૃતદેહને ઝાડે લટકાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી હિતેશભાઈની એક યુવક સાથે બોલાચાલી ચાલી રહી હતી અને જૂની અદાવતના કારણે આ બનાવ બન્યો હોવાની શંકા છે.
અગાઉના અકસ્માતની કડી જોડાઈ રહી હોવાની ચર્ચા
મળતી માહિતી મુજબ ઉતરાયણના દિવસે મલાવ નજીક એક ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સબૂરભાઈ રાઠવાના એક પૌત્ર અને તેમના સબંધી યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે હિતેશભાઈ બચી ગયા હતા. આ ઘટનાને લઈને પણ હાલના બનાવ સાથે કડી જોડાઈ રહી હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે ચાલી રહી છે.
બનાવ અંગે હાલોલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા અન્ય પુરાવાઓના આધારે મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ