હાલોલ, તા.31
હાલોલની પ્રતિષ્ઠિત કુમાર ખમણ હાઉસ દ્વારા ગ્રાહકને ફૂગવાળા પેંડા વેચવામાં આવતા ગ્રાહકની રજૂઆતની પગલે પુરવઠા અને આરોગ્ય વિભાગે તપાસ કરી હતી.
હાલોલ નગર ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારમા બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પોલીસ ચોકી સામે આવેલી પ્રતિષ્ઠિત કુમાર ખમણ હાઉસ સ્વીટ્સ એન્ડ ફરસાણની દુકાનમાં આજે ગુરુવારે બપોરે 12:30 થી 1:00 વાગ્યાના સુમારે પુરવઠા વિભાગની ટીમે ગ્રાહકની ફરિયાદના આધારે ચેકિંગ હાથ ધરતા સમગ્ર હાલોલ નગર ખાતે ચકચાર મચી જવા પામી છે.
જેમાં હાલમાં દિવાળીના પર્વને અનુલક્ષીને કુમાર ખમણ હાઉસ ખાતે હજારો કિલોની મીઠાઈનું રોજે રોજ ધૂમ વેચાણ થઈ રહ્યું હતું જેમાં નગરની પ્રતિષ્ઠિત ગણાતી આ દુકાનમાં ગઈકાલે એટલે કે બુધવારના રોજ એક ગ્રાહક બારીયા વીનેશકુમાર અજયસિંહ દ્વારા એક કિલો કેસર પેંડાની ખરીદી કરી હતી. જેમાં વિનેશકુમાર દ્વારા તે પેંડા પોતાના ઘરે લઈ જઈને પેંડાનું પેકેટ ખોલતા તેમાંથી પેંડા વાસી હોવાનું અને પેંડા ઉપર ફૂગ લાગેલી હોવાનું જોવા મળતા વિનેશકુમાર બારીયા દ્વારા આ બાબતની ફરિયાદ જિલ્લા પુરવઠા અધિકારી અને સ્થાનિક મામલતદારને કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ નાયબ મામલતદાર ઇ-ધરા અને ઇન્ચાર્જ પુરવઠા એન.કે.મોદીએ હાલોલ નગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ તેમજ ફરિયાદ કરનાર વિનેશકુમાર બારીયાને સાથે રાખીને કુમાર ખમણ હાઉસ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરી હતી.
જેમાં કુમાર ખમણ હાઉસ અને તેઓના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી હાલોલ નગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે વિવિધ મીઠાઈઓની 10 જેટલી વસ્તુઓના શંકાસ્પદ નમૂના તપાસ અર્થે લીધા હતા. જ્યારે કુમાર ખમણ હાઉસ ખાતે સ્વચ્છતાના અભાવે ચારે તરફ ગંદકી ફેલાયેલી હોવાની લઈને ચેકિંગમાં આવેલા નાયબ મામલતદાર ઇ-ધરા અને ઇન્ચાર્જ પુરવઠા એન.કે. મોદીએ કડક સૂચનાઓ આપી હતી. જ્યારે ત્રણ ચાર પેકેટમાં પેંડા સુકાયેલા હોવાને કારણે તેમજ એક પેંડાના પેકેટમાં વાળ હોવાનું જોવા મળતા આ તમામ પેકેટોનો સ્થળ પર નાશ કરાયો હોવાની પણ માહિતી મળવા પામી છે. કુમાર ખમણ હાઉસ સ્વીટ્સ એન્ડ ફરસાણની દુકાન કે જે દરેક વાર તહેવારે તમામ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ, સમોસા, કચોરી જેવી ચીજ વસ્તુઓનું ધૂમ વેચાણ કરે છે તે દુકાનમાંથી લીધેલા પેંડાના પેકેટમાંથી ફૂગ મળી આવતા દિવાળી ટાણે જ આ બનાવ બનતા કુમાર ખમણને લઈને હાલોલ નગર ખાતે જાત જાતની ચર્ચાઓ ઉઠવા પામી છે.