ચાલતી ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી, ડ્રાઈવર–ક્લીનરનો આબાદ બચાવ
ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી
હાલોલ | તા. 27
હાલોલ પંથકમાં શુક્રવારે વહેલી સવારે કણજરી ચોકડી નજીક ગોધરા–વડોદરા બાયપાસ રોડ પર ચાલતી ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, હાલોલ ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનના રામગંજ મંડીથી કોટાસ્ટોન પથ્થર ભરેલી ટ્રક સુરત તરફ જઈ રહી હતી. ટ્રકના ડ્રાઈવર કારુલાલ ગુજ્જર અને હેલ્પર ગિરિરાજભાઈ ભીલ ઠાકોર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કણજરી બાયપાસ પાસે અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. સ્થાનિક નાગરિકે તાત્કાલિક હાલોલ ફાયર વિભાગને જાણ કરી હતી.
વોટર બ્રાઉઝરથી આગ પર કાબૂ

જાણ મળતા જ હાલોલ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વોટર બ્રાઉઝરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરીમાં ઉત્સવસિંહ રાઠોડ, જયેશભાઈ કોટવાલ, રાજનસિંહ સોલંકી સહિત ચાર તાલીમાર્થીઓ જોડાયા હતા.

જાનહાનિ ટળી, ટ્રકને નુકસાન
આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે રાહતની બાબત છે. જોકે આગને કારણે ટ્રકને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં લઈ ફાયર ટીમ સ્ટેશન પર પરત ફરી હતી. હાલ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સમયસર મળેલી માહિતી અને ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ