વાઘોડિયા ના ખંધા ગામે સળગતી ચિતા પર જર્જરિત સ્મશાનના સ્લેબના પોપડા તૂટી પડતાં અફરાતફરી
ખંધા ગામના એક પરિવારમાં સ્વજનનું ગઈકાલે નિધન થતાં મોડીસાંજે તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. જે ગામની સીમમાં આવેલા સ્મશાને પહોંચી ડાઘુઓએ ચિતા પર મૃતદેહને મૂકીને અંતિમક્રિયાની વિધી કરી મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન જર્જરિત સ્મશાનની છતમાંથી પોપડા ખરવાના શરૂ થયા હતાં. જેથી ડાઘુઓ સમયસુચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા. દરમિયાન જોતજોતામાં સળગતી ચિતા પર છતનો સ્લેબ એકાએક તૂટી પડ્યો હતો, અને સ્લેબના પોપડા ચિતા પર પડતાં ચિતા ઓલવાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં ત્યાં હાજર લોકોએ સ્લેબના પોપડા દૂર કરી ફરીથી ચિતાને અગ્નિદાહ આપી અંતિમ ક્રિયા પૂર્ણ કરી હતી. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. કારણકે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો તંત્રને જર્જરિત સ્મશાનના સમારકામની માગ કરી રહ્યા હતાં. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. હવે સ્મશાનની છત જ તૂટી જતાં આગામી ચોમાસાના સમયેમાં ગ્રામજનોને અંતિમવિધિ માટે મુશ્કેલી પડશે, ગામમાં આવેલા પટેલ સમાજના સ્મશાનની પણ આવી જ દશા છે. ત્યારે ગ્રામજનોએ ભેગા મળીને વહેલીતકે બંને સ્મશાનની મરામત કરી નવું બનાવવા ટીડીઓને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.