આ ધોધ આગળ ખૂબ ઉંચી ખડકાળ ટેકરીઓ છે. એમાંની એક ટેકરી પરથી આવતી નદીનું પાણી, ટેકરીની ઉભી કરાડ પર થઈને ધોધરૂપે નીચે પડે છે. સામે ઉભા રહીને, ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો કૂદતો અને નીચે પડતો ધોધ જોવાની મજા આવે છે. ધોધ નીચે જે જગાએ પડે છે ત્યાં પણ વાંકાચૂકા ખડકો પથરાયેલા છે તથા આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડી છે. એટલે ત્યાં સુધી પહોંચવાનું પણ કઠિન છે. આમ છતાં, ધીરે ધીરે સાચવીને ત્યાં જરૂર પહોંચી શકાય છે. જ્યાં ધોધ પડે છે તે જગાએ એક ગુફા છે, તેમાં હાથણીના આકારનો મોટો ખડક છે. એટલે તો આ ધોધ, હાથણી માતાનો ધોધ કહેવાય છે. ઘણા લોકો ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે અને માતાજીને નૈવેદ્ય ચડાવે છે. હાથણી માતાના આ મંદિરમાં જ શીવજીનું લીંગ પણ છે. શીવજીનો અહીં વાસ છે. ધોધ જોવા આવનારા લોકો માતાજીનાં અને શીવજીનાં દર્શન અચૂક કરે છે જ.
ધોધ જ્યાં પડે છે ત્યાંથી, ખડકો પર ધીરે ધીરે ચડવું હોય તો ચડી શકાય છે. ઘણા લોકો અહીં શક્ય એટલું ઉંચે ચડીને બેસે છે અને ધોધના પાણીનો આનંદ માણે છે. ટેકરીની છેક ઉપર જવું હોય તો બીજો રસ્તો પણ છે. ઘણા લોકો આ રસ્તે થઈને ટેકરીની ટોચે પણ જતા હોય છે. તેમને ઉપરથી આવતી નદી પણ જોવા મળે છે.