Vadodara

હાઈવે પોલીસ અને ટોલ ઉઘરાવવામાં વ્યસ્ત તંત્ર ઉંઘતું ઝડપાયું,એક્સપ્રેસ હાઈવે પર બાઈક સવાર યુવકો બેફામ

એક્સપ્રેસ હાઈવે પર ટુવ્હીલરને પ્રવેશબંધી હોવા છતાં બાઈક લઈ યુવકો પ્રવેશ્યા :

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દરરોજ મોટા વાહનોની પુરપાટ અવરજવર : અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ ?

( પ્રતિનિધી )વડોદરા,તા.30

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું તંત્ર , આરટીઓ, હાઈવે પોલીસ અને ટોલ ઉઘરાવવામાં વ્યવસ્ત સ્ટાફ ઊંઘતા ઝડપાયા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટુ વ્હીલર વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બાઈક પર સવાર બે યુવકો બિન્દાસ્ત એક્સપ્રેસ હાઈવે પર પ્રવેશ્યા હતા. જેનો વીડિયો પાછળ આવી રહેલા એક કારમાં બેઠેલી વ્યક્તિએ બનાવી લીધો હતો.

વડોદરા શહેર નજીકથી પસાર થઈ રહેલા હાઈવે પર છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિકજામની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે. દરરોજ કલાકો સુધી લાંબો ટ્રાફિકજામ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. છેક ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં NHAIનું તંત્ર આ સમસ્યાના નિરાકરણ કરવા માટે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર હાઈવે પોલીસ અને ટોલ ઉઘરાવતો સ્ટાફ વિવાદમાં જોવા મળ્યો છે. મધરાત્રીએ એક્સપ્રેસ હાઈવે પર બાઈક સવાર યુવકોની એન્ટ્રીથી અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. એક્સપ્રેસ હાઈવે પર ટુ અને થ્રી વ્હીલર વાહનોને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. તેમ છતાં આ બાઈક સવાર યુવકો પ્રવેશ્યા કઈ રીતે તે એક મોટો સવાલ છે. હાઈવે પોલીસનું પેટ્રોલિંગ , આરટીઓનું વાહનચેકીંગ માત્ર હપ્તા ઉઘરાવવામાં ઉણું ઉતર્યું હોય તે આ ઘટના બાદ ફલિત થયું છે. સૌથી મહત્વની બાબત એ છે કે એક્સપ્રેસ વે પર હાઈવેનો સ્ટાફ અને ટોલ નાકાનો સ્ટાફ પણ કાર્યરત હોય છે, તો આ સ્ટાફની બાઈક સવારો પર નજર કેમ ના પડી ?

મહત્વની બાબત છે કે વડોદરા શહેરમાં મહિલાઓને ટાર્ગેટ કરી અછોડા તોડતી ગેંગ અન્ય શહેરોમાંથી પણ આવતી હોય છે. જેને ઘણી વખત શહેર પોલીસ વિભાગની વિવિધ એજન્સીઓ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. બીજી તરફ દારૂના શોખીનોને દારૂ પીરસનાર અડ્ડાઓ પર દેશી દારૂની ખેંપ મારનાર ઈસમો પણ વડોદરા આસપાસથી દારૂ લાવી બાઈક સહિતના વાહનો મારફતે જે તે વિસ્તારમાં ચાલતા અડ્ડાઓ ઉપર સપ્લાય કરતા હોય છે. ત્યારે આ બાઈક પર સવાર યુવકોનું એક્સપ્રેસ હાઈવે પર બેફામ બનવું કેટલું યોગ્ય ? ખાસ બાબત એ છે કે દિવસે તાપ લાગે ત્યારે લોકો પોતાના મોઢા પર રૂમાલ બાંધતા હોય છે પરંતુ રાત્રીના અંધારામાં આ બાઈક સવાર યુવક હોય મોઢા પર રૂમાલ બાંધી એક્સપ્રેસ હાઈવે પર એન્ટ્રી કરી નિયમોનો ભંગ કર્યો હતો.

ત્યારે શું આ યુવકો કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ તે વાતને પણ નકારી શકાય તેમ નથી. દરરોજ એક્સપ્રેસ હાઈવે ઉપરથી મોટી સંખ્યામાં પુર પાટ ઝડપે અનેક વાહનો પસાર થતા હોય છે નાના-મોટા અકસ્માતો પણ બનતા હોય છે જો કોઈ મોટી ઘટના બની હોત તો તેનો જવાબદાર કોણ તેવા પણ સવાલો આ વિડીયો ઉપરથી ઉઠવા પામ્યા છે.

Most Popular

To Top