



( પ્રતિનિધિ )વડોદરા,તા.29
પદમલા નંદેસરી તરફ જતા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલું એક વિશાળ કન્ટેનરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ વચ્ચેનું ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર ધસી ગયું હતું. અનિયંત્રિત બનેલું ટ્રેલર સીધું સામે આવેલી એક ખાનગી એસ્ટેટના મુખ્ય ગેટ સાથે અથડાઈ અને બાદમાં એસ્ટેટની ઓફિસમાં ધડાકાભેર ઘૂસી ગયું હતું.
પદમલા નંદેસરી હાઈવે પર થયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે ગેટ અને ઓફિસ પાસે હાજર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કન્ટેનરની ટક્કરથી એસ્ટેટનો લોખંડી ગેટ સંપૂર્ણપણે વળી ગયો હતો તેમજ ઓફિસના બાંધકામને પણ ભારે નુકસાન થયું છે. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડો સમય ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ટ્રેલરની ગતિ એટલી વધુ હતી કે ડિવાઈડર કૂદ્યા પછી પણ તે અટકી ન શક્યું અને સીધું ઓફિસની દીવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું. સદનસીબે મોટી જાનહાનિ ટળી હોવાનું કહેવાય છે, જોકે ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ટ્રેલરને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.