Vadodara

હાઈરાઈઝ ઇમારતો, શાળાઓ-બજારોને ઝંડા અને લાઈટિંગથી શણગાર કરાશે

વડોદરા શહેરમાં “હર ઘર તિરંગા” યાત્રાની તૈયારી શરૂ, ત્રણ તબક્કામાં કાર્યક્રમો ઉજવાશે

સ્વચ્છતા મુહિમ, પાણી, સાફસફાઈ અને હાઈજીન સંબંધિત પ્રવૃત્તિઓ અને ક્લિનલાઈન ડે ઉજવાશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ આ વર્ષે પણ “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સ્વતંત્રાનો ઉત્સવ સ્વચ્છતાની સાથે” થીમ હેઠળ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની તૈયારીને લઈને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ યાત્રા ત્રણ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 2 થી 8 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે જેમાં રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, તિરંગા પર આધારિત આર્ટ, ક્વિઝ સ્પર્ધા, રાખડી મેકિંગ વર્કશોપ અને સ્પર્ધા, વોલ પેઈન્ટિંગ, લેટર ઝુંબેશ જેવા કાર્યક્રમો યોજાશે. બીજા તબક્કામાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા અને રેલી યોજાશે. સાથે સાથે સ્વચ્છતા મુહિમ, પાણી, સાફસફાઈ અને હાઈજીન સંબંધિત પ્રવૃત્તિઓ અને ક્લિનલાઈન ડે પણ ઉજવાશે.

ત્રીજા તબક્કામાં 13 થી 15 ઓગસ્ટ વચ્ચે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી યોજાશે. શહેરની શાળાઓ અને કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે, શહેરના મુખ્ય માર્ગોના સર્કલને સજાવવામાં આવશે, “સેલ્ફી વિથ તિરંગા” સ્ટેન્ડી મુકાશે અને દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગો, સરકારી ઇમારતો, હેરીટેજ સ્થાનો, શાળાઓ, બસ અને રેલવે સ્ટેશન, બાગ-બગીચા, બજારો અને જાહેર માર્ગો પર તિરંગા ઝંડા તેમજ તિરંગા કલરની લાઈટિંગ કરાશે. તિરંગા યાત્રામાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, વેપારી સંસ્થાઓ, સરકારી વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ અને વિવિધ સમાજના સંગઠનો જોડાશે. સાથે જ મ્યુનિસિપલ કમિશનરે શહેરના દરેક નાગરિકોને તેમના ઘરો પર તિરંગો લગાવવાનો અનુરોધ કર્યો છે જેથી આ રાષ્ટ્રીય ઉત્સવમાં બધાની ભાગીદારી રહે.

Most Popular

To Top