ચુકાદા બાદ શહેરમાં ઉજવણી, સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત
દેવગઢ બારીયા |
દેવગઢ બારીયા નગરપાલિકાના પ્રમુખ નિલ સોનીને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. તેમના વિરુદ્ધ અગાઉ કરવામાં આવેલી કાર્યવાહી બાબતે દાખલ થયેલી અરજી પર હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેના પગલે નિલ સોની નગરપાલિકા પ્રમુખ પદે યથાવત રહ્યા છે.
હાઇકોર્ટના હુકમ બાદ નિલ સોનીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “આ સત્યનો વિજય છે. મારી સામે કરવામાં આવેલા તમામ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા હતા અને ન્યાયતંત્રએ સાચું સાબિત કર્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓએ કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરી નથી અને લોકશાહી પ્રક્રિયા અંતર્ગત તેમને ફરીથી ન્યાય મળ્યો છે.
આ ચુકાદાની ખબર શહેરમાં ફેલાતાં જ નિલ સોનીના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમર્થકો દ્વારા ફટાકડા ફોડી, ફૂલહાર પહેરાવી નિલ સોનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક સમર્થકોએ આ ચુકાદાને લોકશાહીની જીત ગણાવી હતી.
નિલ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટના ચુકાદા બાદ હવે તેઓ દેવગઢ બારીયા શહેરના વિકાસ માટે વધુ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કામ કરશે. નગરપાલિકાના અધૂરા વિકાસ કાર્યોને ઝડપી પૂર્ણ કરવાના સાથે શહેરને વધુ સુવ્યવસ્થિત બનાવવા પર ભાર મુકવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
હાઇકોર્ટના આ ચુકાદાને પગલે દેવગઢ બારીયા નગરપાલિકામાં સર્જાયેલી રાજકીય અનિશ્ચિતતા દૂર થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં નગરપાલિકાના વહીવટી તથા વિકાસાત્મક કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.