Comments

હસતો નર સદા સુહાગી..!

મસ્તમઝાના માહોલમાં રંગા ખુશ થઈને મ્હાલતા હોઈએ ત્યારે, આતંકવાદી તો સ્વપનામાં પણ ના આવે. પણ અચાનક એકાદ લુખ્ખું આતંકવાદી આવીને, ખોપરીએ બંદૂકનું નાળચું મૂકીને પૂછે કે, ‘સચ બોલ, તુમ્હે હસના આતા હૈ ક્યા..?’તો, વિચારમાં પડી જવાય કે, બંદાએ પાટલી બદલી કે શું..? ગઈ કાલ સુધી તો ધર્મનું પૂછતો હતો, આજે કેમ હસવાનું પૂછે..? વટથી એવું કહેવાય તો નહિ કે, ‘હા જનાબ હસના આતા હે..!’કહેવા ગયા તો રીટર્ન ટીકીટ નકામી પાડી દે..! ને જો એવું કહેવા ગયા કે, ‘હમે હસના ભી આતા હે ઔર ખાંસના ભી આતા હૈ, તો તો કમાન જ છટકી જ સમજો ..! એવું જ કહેવું પડે કે, ‘જનાબ..! હસનેકી ક્યા બાત કરતે હો, મૈં તો ઇસ દુનિયામેં રોતે રોતે હી ‘આઈલા’હૂં..! (એની જાતને, ગભરાટમાં ને ગભરાટમાં, મારું હિંદી પણ પાકિસ્તાની જેવું થઇ ગયું ..!) “જો હસ્યા તો ફસ્યા”જેવી વલે થાય..!


આ તો એક કલ્પના કરી મામૂ..! બાકી, તમને ખબર તો છે કે, આ જગતમાં એવો એક પણ માણસ નથી, કે જે ક્યારેય હસ્યો ના હોય..! એ વાત અલગ છે કે, હાસ્યનો બગાડ નહિ થાય એ માટે, કેટલાંક લોકો માપી માપીને હસતાં હોય ત્યારે અમુક લોકોને તો હસતાં બંધ કરવા માટે રીતસરની ચાબુક લઈને જ બેસવું પડે..! શોકસભામાં પણ સખણાં નહિ રહે. શોકસભાને પણ ‘જોકસભા’ બનાવી દે..! ઘરમાં ટીપું તેલથી શાકનો વઘાર કરતા હોય, પણ જાહેરમાં હાસ્યના રેલા કાઢે..! હસવા-હસાવવાના ‘રાફડા’માં એટલે તો બુલડોઝર ફરતાં નથી. વળી વિવેકી એટલા કે, દાંતની ઉપર નીચેની ગેલેરી ખંખેરાઈ ગઈ હોય, તો પણ દાંત કાઢવાનો વિવેક નહિ ચૂકે. કોઈ કહે કે, ‘દાંત કાઢો, તો તરત દાંતનાં ચોગઠાં કાઢીને કહે કે, ‘લે કાઢ્યાં..!’પાણી-પુરી ખાતાં-ખાતાં રસો ઢળી પડે, એમ હોઠના હોજમાંથી હાસ્યનાં ઝરણાં ફૂટતા જ હોય..! એમનો એક જ મુદ્દાનો કાર્યક્રમ અભરાઈઓ હાસ્યથી ભરચક રાખવી ..! ખાલી ના થવા દે..! જૈસી જિસકી શોચ..!
હાસ્ય તો સંજીવની છે મામૂ..! કહેવાય છે કે, ‘રડતો નર સદા દુ:ખી, ને હસતો નર સદા સુહાગી..!’ હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર કે અશોક દવે જેવા હાસ્યનો ‘ટેસ્ટ’ આવે કે નહિ આવે, પણ રમેશ ચાંપાનેરીના પણ લેખ વાંચવાના એટલે વાંચવાના..! હસવાની ક્રીઝ છોડે નહિ..! આપણે પણ જાણીએ કે, હસવાની બક્ષિસ ભગવાને માત્ર માણસને જ આપી હોય પછી શું કામ નહીં હસે..? જો કે મારી આ વાત સાથે ચમનિયો સંમત નથી. મને કહે, ‘માણસ જ નહિ, ક્યારેક તો વાંદરા પણ હસે..! મેં કહ્યું, ‘તારી વાત સાચી, પણ સાથે વાંદરી હોય તો હસે..! ફેર એટલો કે, માણસની જેમ એ લોકો જાહેરમાં ‘હસાયરા’કરતા નથી. નહિ તો વાંદરી ડોળા કાઢે, ને સંસાર અસાર થઇ જાય તે અલગ..!
હસવું, હસાવવું એટલે પાકિસ્તાન ઉપર હુમલો કરવા જેટલું સહેલું નથી. પાશેર જેટલું હસાવવા પણ ધૂળધોયાની માફક માણસને ‘હાસ્ય-ધોયા’બનવું પડે. હાસ્ય એ નિજી ક્રિયા છે. હસવા માટે ભાડુતી માણસ નહિ રખાય, જાતે હસે તો જ આનંદનો ઢેકાર આવે. આજકાલ રડારોડના ધસમસતા પ્રવાહ જ એવા વેગીલા કે, હસવું એટલે સામા વ્હેણે તરવા બરાબર..! કોઈ હસાવી જાય તો એ ક્યા પ્રકારની COMEDY હતી, એ સમજવાની જવાબદારી શ્રોતાની, હાસ્યકારની નહિ..! જે હોય તે, માણસ હસતો રહેવો જોઈએ..!
હવે મુદ્દાની વાત કરું, આ તો ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ની માફક, મે મહિનાનો પહેલો રવિવાર આવ્યો, એટલે હાસ્યના રવાડે હું ચઢી ગયો. વિશ્વ હાસ્યદિન એટલે કાયમ હસતા રહેવાનો સંદેશ..! એવું નહિ કે, એ દિવસે જ પોક મૂકીને હસવાનું ને બાકીના દિવસ રડારોળમાં કાઢવાના..! જ્યારથી ટ્રમ્પદાદાની જાહોજલાલી વધી છે, ત્યારથી ઘરના ‘ફુવાજી’ની માફક ઘણાનું હાસ્ય વિલાઈ રહ્યું છે. હાસ્યની કૂંપળ પણ માંડ માંડ ફૂટે છે દાદૂ..! આપણે તો એટલી જ ટાઢક રાખવાની કે, હાસ્ય ઉપર ટેરીફ નાંખ્યો નથી..! સંતોષ માનવાનો કે, એમને જોઇને પણ ‘લફાય’તો છે ને ..? માત્ર મને જ ખબર છે કે, રડતાને હસાવો તો હનુમાન ચાલીસા બોલ્યા હોય એટલું પુણ્ય મળે છે..! માટે નાકમાં વઘાર કરીને પણ હાસ્ય નિષ્પન્ન થતું હોય તો કરી લેવાનું. બાવળિયામાંથી ‘ઓક્સીજન’કાઢી લાવવાની ત્રેવડ હોય, એ જ સાચો હાસ્યકાર..! બાકી, ચૂડેલ જેવા ચહેરા રાખવાથી તો સુરજને પણ ભરબપોરે ડૂબી જવાનું મન થાય..! હાસ્ય માટે કાશ્મીરના બગીચા ખૂંદવાની જરૂર નથી, ગામના બગીચામાં લટાર મારો તો, ત્યાંથી પણ LAUGHTER મળે..! હાસ્ય વગરનો ચહેરો એટલે, ખાંડ વગરના ફાલુદા જેવો..! માટે પોક મૂકીને હસતા રહો..!
લાસ્ટ બોલ
મંદિરમાં જતો હતો અને એક ભિખારી સામે મળ્યો.
સાહેબ ૨૦ રૂપિયા આપો ને? મારે રીક્ષા કરીને ઘરે જવું છે.
મેં કહ્યું, ‘હું ઘરથી ચાલતો આવું છું અને તારે રીક્ષામાં જવું છે?
આપો ને સાહેબ..?
ના…મારી પાસે માત્ર ૨૦ રૂપિયા જ છે. એ તને આપી દઉં તો પછી હું શું કરું..?
મને કહે, ‘કમાલની વાત કરો છો ? મારી જેમ તમે માંગશો તો, તમને તો કોઈ પણ આપશે.. એ વીસ રૂપિયા મને આપી દો સાહેબ..!
તારા કપાળમાં કાંદા ફોડું..!

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top