વડોદરા: ગતરોજ વોર્ડ નં. 16માં યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સંમેલનમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે વિવિધ મુદ્દાઓ પર ખુલાસાઓ કર્યા અને પૂર્વ પ્રમુખની કાર્યપ્રણાલીઓ પર આડકતરી ટીકા કરી. યોગેશ પટેલે જણાવ્યું કે, જો પાલિકામાં બધા કોર્પોરેટર ભાજપના હોય તો “માથાકૂટ ઓછી થઈ જાય”. તેમણે ઉમેર્યું કે નવા પ્રમુખની નિમણૂક બાદ કામગીરી વધુ સરળ બની છે અને અગાઉ જેમ દરખાસ્તો મુલતવી રાખવામાં આવતી હતી, હવે તે પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી છે. આ પ્રસંગે યોગેશ પટેલે પૂર્વ શહેર પ્રમુખ વિજય શાહ તરફ આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું કે, અગાઉ જે રીતે દરખાસ્તો અટકાવવામાં આવતી હતી, તે હવે પાસ કરી દેવાય છે.
ચૂંટણી સંદર્ભે તેમણે જણાવ્યું કે, કાર્યકરોને ‘પાર્ટી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, વ્યક્તિ ઉપર નહીં’. “આપણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ, કોઈ વ્યક્તિ સાથે નહીં. ચૂંટણી દરમિયાન વ્યક્તિગત લગાવ વધે છે પણ વિજય તો પાર્ટીનો જ થતો હોય છે,” એમ તેઓએ સ્પષ્ટ કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રમુખ સામે ચૂંટાયેલા ધારાસભ્યો અને પાલિકા શાસકો સામસામે હોય તેવી સ્થિતિ હતી અને અવર નવર ઘર્ષણ ચાલુ રહેતું હતું.