કપડવંજ: છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા થતી હતી તે સ્ટેટ હાઇવેને તબદિલ કરી નવા 160 કિલોમીટરનો સૂચિત 848 કે નેશનલ હાઇવે બનવાની દસ્તાવેજી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. નડિયાદ મોડાસા હાઇવેનો ડીપીઆર બનશે અને બંને જિલ્લાના હાઇવે પર વસેલા 25 થી વધુ ગામડાઓ અને શહેરોના લોકોને ટ્રાફિક અકસ્માતો માંથી છુટકારો મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારના સડક પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આણંદ ,નડિયાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, બાયડ ,ધનસુરા, મોડાસા સુધીના નવા 848 કે નેશનલ હાઈવે માટે ડીપીઆર બનાવવા કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડતી એજન્સીઓ પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા છે. જેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2025 નિર્ધારિત કરવામાં આવી હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે.

ખેડા અરવલ્લી જિલ્લામાંથી મોડાસાથી નડિયાદનો સ્ટેટ હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર નાના મોટા 25 થી વધુ ગામ શહેરો વસેલા છે. આણંદમાં નેશનલ હાઇવે 48ના જંકશનથી લઈને ખેડાના કઠલાલ, કપડવંજ અરવલ્લીના બાયડ ,ધનસુરા, મોડાસાથી શામળાજી સુધી નેશનલ હાઈવે 48 ને જોડતા નવા નેશનલ હાઇવે ને 848 કે નામકરણ કરવામાં આવ્યું છે.

હવે પછી ફોર અથવા સિક્સલેન નેશનલ હાઇવે બનાવવા માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આમ નેશનલ હાઇવે બનાવવા માટે વિધિવત દસ્તાવેજી પ્રક્રિયાનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે.
160 કિલોમીટર લાંબા નેશનલ હાઇવે માટે કેટલા સ્થળોએ કેટલી જમીન સંપાદન કરવાની થશે ? નેશનલ હાઈવે પર આવતા ગામો શહેરોમાં કેટલા સ્થળોએ જગ્યા ખુલ્લી કરવી પડશે ? કયા કયા સ્થળોએ કેટલા બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ બનશે ? સમગ્ર પ્રોજેક્ટ માટે કેટલો ખર્ચ થશે ? વગેરે તમામ વિગતો સાથે ડીપીઆર તૈયાર કરવામાં આવશે. આમ હવે ડીપીઆર બનાવવાની કામગીરીની સાથે જ સ્થળ પર સર્વે સહિતની કામગીરી પણ શરૂ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ત્યારબાદ નેશનલ હાઇવે ની કામગીરી માટે ટેન્ડરિંગની પ્રક્રિયા કરવામાં આવશે એકવાર ડીપીઆર બન્યા બાદ તે હાઇવેને અપગ્રેડ કરી તેને નેશનલ હાઈવેમાં તબદિલ કરવાની કામગીરીનો વિધિવત પ્રારંભ થશે તેમ જાણવા મળે છે.