વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલું સ્કલ્પચર પાર્ક હવે બાળકો અને નાગરિકો માટે વધુ સુવિધાજનક બનશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાર્કમાં બાળકોના મનોરંજન અને નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નવા રમત-ગમતના સાધનો અને કસરત માટેના ઉપકરણો સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે. પાર્કમાં મોટી સંખ્યામાં બાળકો આવતા હોવાથી, અહીં નવીનતમ ‘મલ્ટી પ્લે સ્ટેશન’ લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક જ સાધનમાં સ્પાયરલ સ્લાઇડર, કર્વ સ્લાઇડર, રોટો ટનલ, બ્રિજ, રોક ક્લાઇમ્બર અને બેંચનો સમાવેશ થશે. આ ઉપરાંત બાળકો માટે જુદા જુદા રમત સાધનો જેમ કે ઝૂલો, લપસણી, મેટલ પ્લેટફોર્મ મેરિ-ગો-રાઉન્ડ અને મલ્ટી-સીટર સીસો પણ સ્થાપિત કરવામાં આવશે. આ સાધનો દ્વારા બાળકોને રમતમાં વધુ આનંદ સાથે શારીરિક વિકાસનો લાભ મળશે. નાગરિકો માટે પણ પાર્કમાં ખુલ્લી જગ્યામાં ઓપન એર જીમ સ્થાપિત કરવામાં આવશે. આ માટે એરિયલ સ્ટ્રોલર, એરો રાઇડર, સાયકલ, સીટેડ અને સ્ટેન્ડિંગ ટ્વિસ્ટર, એબીએસ બોર્ડ, પુશ અપ બાર અને પુલ અપ સ્ટેશન જેવા કસરત સાધનો ઉપલબ્ધ રહેશે.