18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી દુર્ઘટનાને દોઢ વર્ષ વીતી ગયા છતાં હજુ ન્યાયની રાહમાં છે પરિવારજનો
વળતર અને કાનૂની કાર્યવાહી અંગે સરકાર અને તંત્ર સામે ભારે અસંતોષ
મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની મુલાકાત સમયે પોલીસ દ્વારા પીડિતોને નજરકેદ કરવાના આક્ષેપ
વડોદરા: વડોદરાના હરણી લેકઝોન ખાતે 18 જાન્યુઆરી 2024ના રોજ ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકો પ્રવાસે ગયા હતા ત્યારે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. આ દુર્ઘટનાને આજે 16 મહિના પૂર્ણ થયા છે, છતાં પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આ પરિવારોમાં સરકાર અને તંત્ર સામે ભારે રોષ છે. પીડિત પરિવારોએ ઘરો પર “ભાજપના કોઇ પણ નેતા કે આગેવાને આવવું નહીં” એવા બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે.
હાઈકોર્ટના આદેશ બાદ મૃતક બાળકોના પરિવારને રૂ. 31,75,700, શિક્ષિકાઓના પરિવારને રૂ. 11,21,900 તથા 16,68,209 અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 વળતર ચુકવવાનો હુકમ થયો છે. પરંતુ હજુ પણ તમામને વળતર મળ્યું નથી અને પરિવારજનો કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે.
પીડિત પરિવારો વારંવાર ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરે છે, પરંતુ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે. મુખ્યમંત્રી અથવા ગૃહમંત્રી વડોદરા આવે ત્યારે પણ આ પરિવારોને નજરકેદ કરવામાં આવે છે. કેટલાક પીડિત પરિવારોને ઘર ખાલી કરવાની પણ નોટિસ મળી છે, જેમ કે સરલા શિંદે પરિવારને, જેને દીકરી ગુમાવ્યા બાદ હવે ઘર ગુમાવવાનો વારો આવ્યો છે.
કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માટે માંગ ઉઠી છે. અધિકારી રાજેશ ચૌહાણના પેન્શનમાંથી રૂ. 5,000 કપાત કરવાનો હુકમ થયો છે, પણ પીડિત પરિવારો અને સમાજમાં આ પગલાંને અપૂરતું માનવામાં આવે છે.
સરકાર અને તંત્ર સામે ભારે રોષ છે. પીડિત પરિવારોએ ઘરો પર “ભાજપના કોઇ પણ નેતા કે આગેવાને આવવું નહીં” એવા બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. આજે પણ માતા-પિતાની આંખોમાં આંસુ છે અને તેઓ ન્યાયની આશામાં છે.