હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થયું ત્યારે એવું માનવામાં આવતું હતું કે, હમાસને ઇઝરાયેલ થોડા દિવસોમાં જ ખોંખરૂ કરી શક્યું નથી. તેના બે મુખ્ય કારણ છે. જેમાં પહેલું કારણ એ છે કે, હમાસ સીધી લડાઇ લડતું નથી. તે સંતાઇને હુમલા કરે છે એટલે કે ગેરિલા યુદ્ધ લડે છે. બીજુ કારણ તેની આર્થિક સ્થિતિ છે કારણ કે આટલા દિવસો સુધી યુદ્ધમાં ટકી રહેવા માટે મોટા આર્થિક ભંડોળની જરૂર પડે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, હમાસને આટલું આર્થિક ભંડોળ ક્યાંથી મળે છે.
હમાસને પ્રારંભમાં વિદેશ વસી ગયેલા કેટલાક પૅલેસ્ટિનિયન લોકો અને ખાનગી દાતાઓ, ખાસ કરીને ગલ્ફના અરબ દેશોના દાતાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું, કેટલીક ઇસ્લામિક સખાવતી સંસ્થાઓએ પણ ફંડ આપ્યું હતું. અમેરિકા, યુરોપિયન યુનિયન અને અન્ય દેશોએ હમાસને આતંકવાદી સંસ્થા જાહેર કરી તે પછી આ સ્રોતોમાંથી ભંડોળ મેળવવું મુશ્કેલ બન્યું હતું. મહત્ત્વની વાત એ છે કે, હમાસને હવે ઈરાન તરફથી આર્થિક અને સંસાધનોની મદદ મળે છે. તાજેતરનાં વર્ષોમાં ગાઝામાં આર્થિક સ્થિતિ વિકટ થઈ છે ત્યારે કતાર પૅલેસ્ટાઇનના હજારો સરકારી કર્મચારીઓને વેતન ચૂકવવામાં મદદ કરે તે માટે મંજૂરી આપવામાં આવી છે. પૅલેસ્ટાઇન માટે કતાર સહાય આપતું રહ્યું છે.
યુએસ ટ્રેઝરીના જણાવ્યા અનુસાર હમાસે ગુપ્ત આંતરરાષ્ટ્રીય ધોરણે રોકાણ કરી રાખ્યું છે. સુદાન, અલ્જિરિયા, તુર્કી, યુનાઇટેડ આરબ અમીરાત અને અન્ય દેશોમાં કાર્યરત કંપનીઓમાં કરોડો ડૉલરનું રોકાણ છે અને તેમાંથી મોટી આવક થતી હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક બહુ મોટો થઈ ગયો છે. ગાઝાના હમાસ નિયંત્રિત આરોગ્ય મંત્રાલય કહે છે કે 1,400થી વધુ ઇઝરાયલી અને 7000થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ઇઝરાયેલ અને પેલેસ્ટિની લોકો વચ્ચે દાયકાઓ લાંબા સંઘર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકોનો ભોગ લેવાતો રહ્યો છે. તે ધોરણો કરતાંય આ વખત જાનહાની મોટા પાયે થઈ છે.
અગાઉ આ પ્રકારે ઘર્ષણ થયેલું તેના મારા અનુભવ પરથી મને લાગે છે કે પશ્ચિમના દેશો ઇઝરાયેલને થોડા દિવસનો ગાળો આપે છે, જેથી હમાસને પાઠ ભણાવી શકે અને તે પછી જ સંયમ માટે હાકલ કરે છે. યુદ્ધવિરામની વાત તો બાદમાં આવે છે. પશ્ચિમના દેશોની સરકારો સામાન્ય રીતે હમાસને પાઠ ભણાવવાની ઇઝરાયેલની ઇચ્છાને ચલાવતા રહ્યા છે. પરંતુ આ વખતે યુદ્ધ અલગ છે. ઇઝરાયલ માત્ર હમાસને પાઠ ભણાવવા પૂરતું સિમિત રહેવા માગતું નથી. (ભૂતકાળમાં આવી કામગીરીને “ઘાસ કાપવું” એવી રીત ઓળખવામાં આવતી હતી.).
આ વખતે ઇઝરાયલ હમાસની ચળવળને – રાજકીય અને લશ્કરી બંને રીતે કાયમ માટે નાબૂદ કરી દેવા માટે મક્કમ છે. તેના કારણે આ વખતે મોટા પાયે લોકોએ ભોગવવાનું આવશે. અત્યાર સુધી ઇઝરાયેલને પશ્ચિમનું સમર્થન મળતું રહ્યું છે તે જોતા લાગે છે કે થોડો સમય પોતાનો હેતુ પાર પાડવા માટે તેને થોડો સમય મળી જશે. ત્યારબાદ આ દેશો હવે રુક જાવ એવું કહેશે. હાલમાં તો પોલિયો અભિયાનના કારણે થોડા દિવસ યુદ્ધ વિરામ રહેશે પરંતુ આ યુદ્ધ ફરી પાછું શરૂ થશે કારણ કે રવિવારે જ સાત ઇઝરાયેલી બંધકના મૃતદેહ હમાસે બનાવેલી ટનલમાંથી મળી આવ્યા છે.