વિવાદોમાં સપડાયેલી બ્રાન્ડના સેમ્પલ લેવાયા: લાંબા સમયથી બગડેલી મીઠાઈ વેચવાના આક્ષેપો, હવે પાલિકા કડક પગલાં લેશે?
વડોદરા : શહેરમાં એ.સી. ની સુવિધા ધરાવતી દુકાનોમાં મોંઘા ભાવે વેચાણ કરતી અને પ્રતિષ્ઠિત ગણાતી ‘HanuRam’ (હનુરામ) મીઠાઈ અને ફરસાણની બનાવટમાં ગંભીર ગેરરીતિ અને બિન-આરોગ્યપ્રદ પરિસ્થિતિ હોવાનો સનસનાટીપૂર્ણ આરોપ લાગ્યો છે. આના પગલે શહેરના જાગૃત ગ્રાહકોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ છે, ખાસ કરીને તહેવારોની મોસમ નજીક છે ત્યારે આ પ્રકારની બેદરકારીએ વેપારીની નીતિમત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, HanuRam મીઠાઈ અને ફરસાણની બ્રાન્ડ અગાઉ પણ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. આ બ્રાન્ડની ગુણવત્તા અને બનાવટની પદ્ધતિ અંગે અવારનવાર બૂમો ઉઠી છે. જોકે, આ વખતે મીઠાઈ બિન-આરોગ્યપ્રદ સ્થિતિમાં બનતી હોવાના સીધા આરોપોએ સમગ્ર મામલાને અત્યંત ગંભીર બનાવી દીધો છે.

HanRam ના ગ્રાહકોના અનુભવ મુજબ, તેમની મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા શંકાસ્પદ રહી છે. લોકોનો આક્ષેપ છે કે દિવાળી નિમિત્તે ખરીદવામાં આવેલી મીઠાઈઓ દિવાળી પહેલા જ એક્સપાયરી ડેટ પર પહોંચી જતી હોવાના અને ઝડપથી બગડી જવાના દાખલા છે. આ અનુભવ મોંઘા ભાવની વસ્તુ સામે ગ્રાહકોમાં અવિશ્વાસ પેદા કરે છે.
મીઠાઈની બનાવટમાં ગેરરીતિ અને બિન-આરોગ્યપ્રદ સ્થિતિ અંગેની બૂમો જોરશોરથી ઉઠતાં આખરે વડોદરા મહાનગર પાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની ટીમે HanuRam ના સ્થળો પર તપાસ કરીને મીઠાઈ અને ફરસાણના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

બજારમાં ચર્ચા છે કે HanuRam મીઠાઈ અને ફરસાણના સંચાલકો વગદાર અને ઊંચી પહોંચ ધરાવે છે, જેના કારણે અગાઉના વિવાદોમાં તેમને કોઈ નક્કર કાર્યવાહીનો સામનો કરવો પડ્યો ન હતો. જોકે, જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના આ ગંભીર આરોપો બાદ પાલિકાની કાર્યવાહી કેટલી સખત રહેશે અને સંચાલકો પર શું દંડનીય કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. વડોદરાના નાગરિકોની માગ છે કે માત્ર દંડ નહીં, પરંતુ ફૂડ સેફ્ટી કાયદા મુજબ સખત કાર્યવાહી કરી દાખલો બેસાડે તેવી કાર્યવાહી થવી જોઈએ.