Savli

સ્વામીજી સાવલીવાળાની 34મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી, વિવિધ કાર્યક્રમોનું આયોજન

સાવલી: સ્વામીજી સાવલીવાળાની 34મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાચી અંબા માતાજીના મંદિરે નવચંડી યાગથી પ્રારંભસ્વામીજીની પાદુકાની શોભાયાત્રા ધામધુમપુર્વક નીકળી સમાધિ મંદિર સમક્ષ ડાકોરના વિદ્વાન ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યાગ કરવામાં આવ્યો હતો. હજારો સ્વામી ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઝરમર વરસાદ સાથે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે પિઠોરી અમાસ, હનુમાનજીને પ્રિય શનિવાર અને વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી સ્વામીજી સાવલીવાળાની 34મી પુણ્યતિથિના ત્રિવેણી સંગમ સમા ભક્તિ પર્વની ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અત્યંત શ્રદ્ધા સભર અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.



‘સત્ય સંકલ્પનો દાતા ભગવાન’ અને ‘સુખ ચાહો તો સુખ દો’ જેવી ઉકતીથી વિશ્વ પ્રસિદ્ધિ પ્રાપ્ત સ્વામીજી સાવલીવાળાની 34મી પુણ્યતિથિની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત ગઈકાલે સ્વામીજી દ્વારા નિર્મિત યંત્ર આધારિત સાચી અંબા માતાજીના મંદિરે વહેલી સવારે નવચંડી યાગ થી પ્રારંભવામાં આવી હતી. સાંજના 5:00 કલાકે શ્રીફળ હોમી યજ્ઞકર્મની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષોવર્ષની પરંપરા મુજબ સ્વામીજીની પાદુકાની ભવ્ય શોભાયાત્રા માં ઉત્સાહ પૂર્વક ભાગ લેવા માટે અબાલ વૃદ્ધ સૌ ભક્તજનો અને ગ્રામ્યજનો હજારોની સંખ્યામાં જમનોત્રી બંગલે સાંજે 4.00 વાગે ઉમટી પડ્યા હતા.

સ્વયંભૂ ઉપસ્થિત રહેલી વિવિધ ભજન મંડળીઓ, આકર્ષક વેશભુષા ધારણ કરેલા શાળાના બાળકો, સૌમ્ય ભક્તિ સંગીત રેલાવતુ બેન્ડ, ડમરુ અને કરતાલના ગગન ભેદી નાદ કરતી મહાકાલ સેના અને તાજા રંગબેરંગી ફૂલોથી શણગારેલી પાલખી અદભૂત અને દર્શનીય લાગતી હતી. પાદુકાની શોભાયાત્રા ગામ મધ્યે થી પસાર થઈ ત્યારે વિવિધ સ્થળોએ ઠંડા પીણાં અને પુષ્પવર્ષાથી પાદુકાની પાલખી અને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંધ્યા આરતી સમયે પાદુકાની શોભાયાત્રા ભીમનાથ મંદિરના પટાંગણ માં આવી પહોંચી હતી ત્યારે મંદિરનું આખુંય પરીસર માનવ મેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. સંધ્યા આરતી બાદ ઉપસ્થિત સર્વે ભક્તજનો એ મહાપ્રસાદ લીધો હતો.

આજના આ ત્રિવેણી સંગમ સમા ભક્તિ પર્વની ઉજવણી માટે ભીમનાથ મહાદેવ મંદિરના સમગ્ર પરિસરને રંગબેરંગી લાઈટના ડેકોરેશનથી મનમોહક રીતે શણગારવામાં આવ્યું હતું. સ્વામીજીનું સમાધિ મંદિર, ગેબીનાથ દાદાનું સમાધિ મંદિર, શિવાલયનું ગર્ભગૃહ અને સ્વામીજીની બેઠકને વિવિધ રંગબેરંગી ફૂલો અને હારથી નયનરમ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. સમગ્ર મંદિર પરીસર આ અદભુત સજાવટના કારણે ખૂબ જ દિવ્ય અને સ્વર્ગ સમું રળિયામણું લાગી રહ્યું હતું.

પ્રાતઃ કાળે સવારે 3.30 કલાકે પ્રહર પુજા અને સવારે 5.00 કલાકે પ્રાતઃ આરતી અને 7.00 કલાકે શહનાઈ વાદનથી સ્વામીજીની પુણ્યતિથિ મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ શિવાલયના ગર્ભગૃહ સમક્ષ આવેલી સંગીત પ્રચારીણી સભાના વિશાળ રંગમંચ પરથી ૐ નમઃ શિવાયની અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક લોક કલાકારો દ્વારા સતત બાર કલાક સુધી અખંડ ધૂનનું પારાયણ કરવામાં આવ્યું હતું.

સ્વામીજી અને ગેબીનાથદાદાની સમાધી સમક્ષ ડાકોરથી પધારેલા વિદ્વાન ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યાગ આયોજીત કરવામાં આવ્યો હતો. વિદ્વાન પંડિતોના મુખે સ્વાહા સ્વાહાના સ્વરોથી મંદિરનું વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું. મધ્યાહન સમયે શ્રીફળ હોમી આ યજ્ઞ કર્મની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પૂર્ણાહુતિ સમયે દત્તબાવની અને આરતીના તાલે ભક્તજનો ભાવવિભોર બન્યા હતા.

વહેલી સવારથી જ સમાધિ મંદિર અને શિવાલયના ગર્ભગૃહના દર્શન તથા સ્વામીજીના શુભ આશિષ મેળવવા દેશ, વિદેશ અને સમગ્ર સાવલી પંથકના તમામ સ્વામી ભક્તો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ સ્વયંભૂ શિસ્ત દાખવી હરોળબદ્ધ ઊભા રહી દર્શન અને પરિક્રમાનો શાંતિપૂર્વક લાભ લીધો હતો.

ભીમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે આવેલા કેદારેશ્વર ભવનના વિશાળ હોલમાં દર્શન અર્થે આવેલા તમામ ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે સ્વામી ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી તેની સુંદર વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

વર્ષા ઋતુના વાતાવરણ ને ધ્યાને રાખી દર્શન માટે આવતા તમામ ભક્તજનો માટે ગરમા ગરમ ચા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

સંધ્યા કાળે જેમ જેમ અખંડ ધૂનનું સમાપન નજીક આવતું જાય તેમ તેમ ૐ નમઃ શિવાય મંત્રનો સ્વર અને તાલ ઉચ્ચ થઈ રહ્યા હતા. સંગીત પ્રચારીણી સભાનો આખો હોલ અબાલ, વૃદ્ધ, પુરુષ અને સ્ત્રી ભક્તજનોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ઢોલ, નગારા, શંખ, અને તાળીઓનો ઉચ્ચ અવાજ તથા ગુગળની સુગંધીત ધ્રુમ્રશેરો સાથે ૐ નમઃ શિવાયની ધૂનથી આખુંય વાતાવરણ ભાવવિભોર, ભક્તિમય, અદભૂત અને દિવ્ય બની ગયું હતું. ભક્તજનો આનંદથી ભાવ વિભોર થઈ ઢોલના તાલે તાળીઓની રમઝટ સાથે ડોલતા નાચતા જોવા મળ્યા હતા. આ અખંડ ધૂનના સમાપન સાથે સંધ્યા ટાણે સમાધિ મંદિર સમક્ષ મહાઆરતી કરવામાં આવી હતી.

વહેલી સવારથી વરસતા ઝરમર વરસાદને ભકતજનોએ સ્વયં શિવજીના આશીર્વાદ સમજી આનંદ વિભોર થઇ આ ભક્તિ પર્વને લાગણીથી ભીના હૃદયથી માણ્યું હતું.

શ્રાવણ માસનો અંતિમ દિવસ અને શનિવારનું અનેરું મહાત્યમ હોઇ મહા આરતી પછી સંગીત પ્રચારીણી સભાના રંગમંચ પર રાત્રીના 8.30 કલાકે અશ્વિનભાઈ પાઠક ના મધુર સ્વરે સુંદરકાંડના પાઠનું પારાયણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top