Vadodara

સ્માર્ટ સિટી વડોદરામાં ખાડાના કારણે મહિલાનું માથું ફૂટ્યું,તંત્ર સામે બળાપો કાઢ્યો



( પ્રતિનિધી )વડોદરા,તા.11

વડોદરામાં સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાહ વાહી લૂંટી રહ્યા છે અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે ખાડાના કારણે વાહન ચાલક સિનિયર સીટીઝન દંપતી પટકાયું હતું. જેમાં મહિલાને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા નજરે પડી રહ્યા છે, થોડા સમય પહેલા ખાડાના કારણે એક રીક્ષા ચાલકનું મોત થયું હતું. જ્યારે કેટલાય વિસ્તારોમાં ખાડાઓના કારણે નાગરિકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે પણ થોડાક દિવસો પહેલા જાહેરાત કરી હતી કે, શહેરના તમામ માર્ગો પર પડેલા ખાડાને રીપેરીંગ કરવામાં આવશે. પરંતુ અધિકારીઓ કમિશનરનો આદેશ ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે.

ત્યારે, શહેરના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, તેવામાં આજે એક સિનિયર સિટીઝન મહિલા તેમના પતિ સાથે મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે ખાડામાં પડતા મહિલા નીચે પટકાતા તેમને માથાના ભાગે એન્ગલ વાગતા ઈજા પહોંચી હતી. જેથી તેઓએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.

ઈજાગ્રસ્ત મહિલા મીનાબેન પટેલે જણાવ્યું હતું કે ખાડો હતો અને બાજુમાં સ્કૂટર વાળાએ એની ગાડી દબાવી એટલે અમે ગબડી પડ્યા હતા. ખાડાના કારણે કોઠી ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી. તંત્રને પણ હવે શું કહેવાનું જ્યાં જુઓ ત્યાં ખાડા જ આવી રહ્યા છે. ઈજાગ્રસ્ત મહિલાના પતિ રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે અટલાદરાથી સંગમ સોસાયટી જઈ રહ્યા હતા. વચ્ચે કોઠી ચાર રસ્તા આગળ લોખંડી એંગલ મૂકેલી છે અને આ ખાડા પૂરતા નથી કોર્પોરેશન વાળા, કેટલા દિવસથી વરસાદ નથી તેમ છતાં ખાડા પૂરતા નથી અને એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ ? ખાડાના કારણે મારી પત્નીને માથામાં વાગ્યું છે. લોખંડની એંગલ વાગી છે. કોઠી ચાર રસ્તા ખાતે પડેલા ખાડાના કારણે અમે પડી ગયા હતા.

Most Popular

To Top