રોડ પર કાર્પેટિગની કામગીરીને કારણે આસપાસના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની ભીતિ
*રોડ પરના ડ્રેનેજ ચેમ્બર ઉપર પણ ડામર પાથરી દેવાયું?
(પ્રતિનિધિ) વડોદરા તા. 02
વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતા સ્માર્ટ પાલિકા અધિકારીઓ દ્વારા સ્માર્ટ બુધ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શહેરના સુશેન તરસાલી રોડ પર રોડ જે સારી સ્થિતિમાં છે તેના ઉપર રિસર્ફેસીગ તથા કાર્પેટિગની કામગીરી કરવામાં આવી રહી છે અહીં રોડ પર ડ્રેનેજ ચેમ્બર ઉપર પણ ડામર પાથરી દેવામાં આવ્યું છે.
શહેરમાં જ્યાં ખરેખર રોડ રસ્તાઓ ખરાબ સ્થિતિમાં છે અને જે જગ્યાએ રોડ બનાવવાની અથવા તો તે રોડની કાર્પેટિગની જરુર છે ત્યાં કામગીરી કરવામાં આવતી નથી અને જ્યાં જરૂર નથી ત્યાં આ રીતે કામગીરી કરવામાં આવી રહી છે જેના માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે ત્યારબાદ ઇજારદારને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. શહેરના ઘણા વિસ્તારોમાં સ્માર્ટ પાલિકા તંત્રે રોડ પર કાર્પેટિગ કરી રોડ તથા રોડ પર આવેલ ડ્રેનેજ ચેમ્બરોને ઉંચી કરી દેતાં રોડની આસપાસના દુકાનો, સોસાયટી નીચાણમાં જતી રહી છે સાથે જ ડ્રેનેજ લાઇનનુ લેવલ પણ જળવાયુ નથી જેના કારણે ચોમાસામાં નજીવા વરસાદમાં આવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જાય છે જેના કારણે દુકાનો, ઓફિસ તથા મકાનોમાં પાણી ભરાઇ જતાં ઘરવખરી, દુકાનના સામાન તથા ઓફિસમાં નુકસાન થતું હોય છે પરંતુ તંત્ર દ્વારા શહેરમાં જે રોડ વધુ ખરાબ થઈ ગયો હોય તેને ખોદીને નવેસરથી તૈયાર કરલાને બદલે રોડપર વધારાના લેયર તૈયાર કરવામાં આવે છે જેમાં કોન્ટ્રાકટર સાથે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ની મિલિભગતથી આવા પૈસાન ખેલ કરવામાં આવી રહ્યાં હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે