પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ પુરુષ સમોવડી બની છે એમાં કોઇ શંકા નથી. પરંતુ કેટલાક પુરુષો હજુ સ્ત્રીઓને પગની પાની જ સમજે છે. સ્ત્રીઓ વિશેની જુનવાણી વિચારધારાવાળી માનસિકતા હજુ કેટલીય જગ્યાએ જોવા મળે છે. પરંતુ આ સમાજનું અસ્તિત્વ સ્ત્રીઓ થકી જ છે અને ખુદ પુરુષને પણ એક સ્ત્રી જ આ દુનિયામાં લાવનાર માધ્યમ છે. એક સ્ત્રી ઘરપરિવાર, બાળકો અને નોકરિયાત બહેનો પોતાના કાર્યક્ષેત્ર આ બધું એક સાથે સંભાળીને સમયનું એવું પાકુ મેનેજમેન્ટ કરે છે કે બધુ સંભાળવામાં કદાચ પોતાની જરૂરિયાત કે મોજશોખનો ત્યાગ કરવો પડે તો એમા પણ પાછીપાની કરતી નથી અને પોતાની જવાબદારી નિભાવી જાણે છે. આજે ઘણા બધા ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ વધી છે. પોતાના આ કાર્યક્ષેત્રની જવાબદારી સંભાળવામાં એ કદાચ ઘરકામને બાઇ (કામવાળી) પાસે કરાવવા મજબુર બનતી હશે.
પરંતુ એનો અર્થ તે ઓસિયાળી છે એવો તો બિલકુલ ન સમજવો. કેટલાક પુરુષો એવુ વિચારતા કે બોલતા હોય કે સ્ત્રીને શું કરવાનું ોય? એ તો આખો દિવસ નવરી જ છે! તો એવા પુરુષોએ ભરઉનાળે સ્ટવ કે ચુલાપાસેની ગરમીમાં બે રોટલા ઘડી લેવા અથવા ભર શિયાળે ઠંડા પાણીમાં બે ચાર વાસણ સાફ કરી લેવા કે પછી એક દિવસ માટે સ્ત્રીની જગ્યાએ પુરુષે ઘરની અને બાળકોની જવાબદારી પોતાના કામ સાથે સંભાળી લેવી તો કદાચ સ્ત્રી તો નવરી જ એવો વિચાર ન આવશે. કેટલાક પુરુષોની આવી તુલનાત્મક વિચારધાના ન બદલાશે અને સ્ત્રીઓને નીચી જ સમજશે તો તેમનું પુરુષત્વ લજવાય એમ કહેવું ખોટું નથી. ટૂંક સમયમાં જ વિશ્વ મહિલા દિનની ઉજવણીમાં સ્ત્રીઓના ઔપચારિક સન્માનો તો જાહેરમાં થશે પરંતુ સ્ત્રીને સાચુ સન્માન ત્યારે જ મળશે જયારે તેના ત્યાગ, બલિદાન અને કાર્યની કદર થશે. સ્ત્રીઓ વિશે ઝેર ભરેલા શબ્દો બોલીને સ્ત્રીના માનમાં મહિલા દિન ઉજવવો વ્યર્થ છે. સ્ત્રી વિરોધી વિચારધારા બદલાશે ત્યારે જ તેને સાચુ સન્માન મળશે.
અમરોલી – પાયલ વી. પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.