Vadodara

સ્ટ્રીટ વેન્ડર્સ અને પાર્કિંગ માટે નવી પોલીસી બનશે, વડોદરા મહાપાલિકા દ્વારા કમિટી રચાઈ

કમિટી નિયમિત રીતે બેઠક યોજી સ્ટ્રીટ વેન્ડર્સ માટે નવી જગ્યાઓ નક્કી કરશે

સ્ટ્રીટ વેન્ડર્સ માટે હોકિંગ અને નોન-હોકિંગ ઝોન માટે નીતિ બનાવવાની પ્રક્રિયા શરૂ

વડોદરા શહેરમાં લારી-ગલ્લા, પથારા અને સ્ટ્રીટ વેન્ડર્સના વ્યવસાયને નિયમિત કરવા અને નાગરિકોને પાર્કિંગ જેવી બેઝિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ માટે નવી હોકિંગ અને નોન-હોકિંગ ઝોન નક્કી કરવા તેમજ પાર્કિંગ પોલીસી માટે કમિટી રચવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી સંયુક્ત મિટીંગમાં શહેરમાં અસ્તવ્યસ્ત રીતે ફેલાયેલા લારીઓ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે લાંબા ગાળાનું આયોજન કરવા નિર્ણય લેવાયો છે. મિટીંગમાં સ્ટ્રીટ વેન્ડર્સને નક્કી જગ્યાએ વ્યવસાય કરવા માટે હોકિંગ ઝોન બનાવવી, તેમજ જ્યાં દબાણ ન જોઈતું હોય તેવી જગ્યાઓને નોન-હોકિંગ ઝોન તરીકે જાહેર કરવા માટે નીતિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઝોન), ટાઉન ડેવલોપમેન્ટ અધિકારી, અધિક આરોગ્ય અમલદાર, દબાણ શાખાના અધિકારી, જમીન મિલકત અધિકારી (કોમર્શિયલ)નો સમાવેશ થાય છે. આ કમિટી નિયમિત રીતે બેઠક યોજી સ્ટ્રીટ વેન્ડર્સ માટે નવી જગ્યાઓ નક્કી કરવી, વર્ષો અગાઉ આપવામાં આવેલા પરવાનાઓની હાલની સ્થિતિનું સર્વેક્ષણ, હોકિંગ અને નોન-હોકિંગ ઝોન માટે નીતિ સુધારાઓ, વાહન પાર્કિંગ માટે યોગ્ય જગ્યાઓનું આયોજન, શહેરની પાર્કિંગ પોલીસી માટે નવા નિયમો તૈયાર કરવાનું આયોજન જેવા મુદ્દાઓ પર કાર્ય કરશે.


દસ દિવસમાં કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરશે

સ્ટ્રીટ વેન્ડર્સ અને પાર્કિંગ માટે આજે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. અઠવાડિયાથી દસ દિવસમાં કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટ બની ગયા બાદ તેની દરખાસ્ત મંજૂરી માટે બોડીને મોકલી આપવામાં આવશે. – અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર

Most Popular

To Top