Vadodara

સ્ટર્લિંગ હોસ્પિટલને ક્લોઝર નોટિસ, 30 દિવસમાં ખુલાસો નહિ કરે તો લાઇટ-પાણી કાપાશે

ગોત્રી ગાર્ડનમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા બદલ GPCBની કડક કાર્યવાહી

બાયો મેડિકલ વેસ્ટ નિકાલ કરવાનું યથાવત રહેશે તો દરરોજ રૂ. 5,000નો દંડ અને વધુમાં વધુ 7 વર્ષ સુધીની કેદની જોગવાઈ

વડોદરા: વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ સામે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016ના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માહિતી અનુસાર, હોસ્પિટલ દ્વારા જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ કચરો નાખવામાં આવતાં કડક પગલાં લેવામાં આવ્યાં છે. તાજેતરમાં બનેલી ઘટનામાં, સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી રોજનો કચરો ટ્રેક્ટરમાં મૂકવામાં આવતો હતો. તે ટ્રેક્ટરચાલકે ગોત્રી ગાર્ડનમાં આખો કચરો ખાલી કરી દીધો હતો. જ્યાંથી મળેલા કેટલાક જથ્થામાં બાયોમેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો. આ અંગે ગોત્રી ગાર્ડન શાખાના કર્મચારીઓએ તાત્કાલિક સોલિડ વેસ્ટ વિભાગને જાણ કરી હતી. પછી વેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક GPCB (ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ)ને જાણ કરવામાં આવી હતી. GPCB તથા પાલિકા ટીમોએ સ્થળ પર પહોંચીને કચરાનું નિરીક્ષણ કર્યું હતું. એન્વ્યારમેન્ટ એન્જિનિયરે કચરાનો અંદાજ લગાવી અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં સ્પષ્ટ થયું કે સ્ટર્લિંગ એડ લાઈફ ઇન્ડિયા પ્રા. લી. દ્વારા બાયોમેડિકલ વેસ્ટ નિયમોનું ઉલ્લંઘન થયું છે.

આ પ્રકારની કાર્યવાહી પર્યાવરણ અધિનિયમ-1986ની કલમ 15 મુજબ ગુનાહિત છે અને જેમાં 5 વર્ષ સુધીની કેદ અથવા રૂ. 1 લાખ સુધીનો દંડ અથવા બંને દંડ શક્ય છે. ગુનો ચાલુ રહે તો દરરોજ રૂ. 5,000નો દંડ અને વધુમાં વધુ 7 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. આ માટે GPCBના સભ્ય સચિવે પર્યાવરણ અધિનિયમ-1986ની કલમ 5 હેઠળ તેમની અધિકૃતતા ઉપયોગ કરી કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલને આરોગ્યસંભાળ સુવિધાનું સંચાલન 30 દિવસમાં સુધારો નહીં થાય તો હોસ્પિટલ બંધ કરવા સુધીનો આદેશ આપવામાં આવી શકે છે. સાથે જ આ સમયગાળા બાદ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ખુલાસો આપવામાં નહીં આવે તો 30 દિવસ બાદ વિજળી પુરવઠો બંધ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવાનો અને નવા દર્દીઓને દાખલ ન કરવા માટે પણ આદેશ આપવામાં આવશે. હાલ દાખલ દર્દીઓની સંપૂર્ણ જવાબદારી હોસ્પિટલની રહેશે અને તેમને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ ફરજ રહેશે. આદેશ મુજબ 30 દિવસની અંદર સૂચનાઓનું પાલન ન થાય તો હોસ્પિટલ સામે પર્યાવરણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાશે.


સ્ટર્લિંગ હોસ્પિટલ સામે દંડની તૈયારી, પકડાયેલા બાયોવેસ્ટના દિવસો ગણાઈ દંડ વસૂલાશે

એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ સ્ટર્લિંગ હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપી છે. હોસ્પિટલ એક ઇમરજન્સી સેવા હોવાથી 30 દિવસનો સમય અપાયો છે. 30 દિવસનો અંદર સ્ટર્લિંગ હોસ્પિટલે GPCB ગાંધીનગર સમક્ષ ખુલાસો આપવો પડશે. ક્લોઝર ઓર્ડર પર ખુલાસો નહીં થાય તો 30 દિવસ બાદ પહેલા લાઇટ-પાણી કાપી લેવામાં આવશે. જે દિવસે સ્ટર્લિંગ હોસ્પિટલ ખુલાસો કરશે એ દિવસથી બાયો મેડિકલ વેસ્ટ પકડાયો એટલા દિવસની દંડની ગણતરી કરી એ દંડ હોસ્પિટલ પાસેથી વસૂલવામાં આવશે. સાથે જ, બેંક ગેરંટી અંડર ટેકિંગ પણ આપવાનું રહેશે.

– જે જે મહિડા, GPCB, વડોદરા

Most Popular

To Top