એક મહાત્મા તીર્થયાત્રાએ નીકળ્યા. તીર્થયાત્રાએ પ્રયાણ કરતાં પહેલાં તેઓ ગામના નગરશેઠને મળવા ગયા. ધનવાન નગરશેઠ અભિમાની હતા. શેઠને પોતાની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાનો ખૂબ જ ગર્વ હતો. પોતાની સામે તેઓ બધાને સાવ તુચ્છ માનતા. મહાત્માજીએ દેશભરનાં તીર્થસ્થાનોની મુલાકાત લેવા જવાની વાત કરી મહાત્માજીને કોઈ પ્રકારની આર્થિક સહાય કરવાને સ્થાને શેઠ તેમને એક અરીસો આપી કહે છે કે, ‘તમે પૂરા દેશનું ભ્રમણ કરવાના છો.
જો તમને કોઈ સૌથી મોટો મૂર્ખ મળી જાય તો આ અરીસો તેને આપજો.’મહાત્માજીનો શાંત સ્વભાવ. તેઓ બિલકુલ ગુસ્સે ન થાય, એટલે તેમણે ચૂપચાપ અરીસો લઈને પોતાની ઝોળીમાં મૂકી દીધો અને ચૂપચાપ ત્યાંથી ચાલતા થયા. ઘણા સમય બાદ સમગ્ર દેશનાં તીર્થસ્થળોની યાત્રા કરી મહાત્માજી પાછા ફર્યા ત્યારે તેમને સમાચાર મળ્યા કે ગામના નગરશેઠ એકદમ બિમાર છે. મહાત્મા શેઠની પાસે ગયા. શેઠ સાવ મૃત:પ્રાય અવસ્થામાં ખાટલા પર હતા છતાં ગર્વ તો છૂટતો જ ન હતો. મહાત્માજીને જોઈને શેઠે પૂછ્યું, ‘અરીસો તમે કોને આપ્યો? અને શા માટે? શું તમને કોઈ સૌથી મોટો મૂર્ખ મળ્યો કે નહીં?’
મહાત્માજીએ કહ્યું, ‘શેઠજી, શું તમને એવી કોઈ વિદ્યાનું જ્ઞાન છે જે મૃત્યુ અટકાવી શકે.’શેઠે કહ્યું, ‘મૃત્યુ થોડું અટકે, તે તો આવશે જ.’મહાત્માજીએ ફરી પૂછ્યું, ‘શું આ તમારા અપાર ધનમાં એટલી શક્તિ છે કે કાળને પરાસ્ત કરીને યમદૂતોને પાછા મોકલીને તમારું મૃત્યુ રોકી દે.’શેઠે કહ્યું, ‘ના, એ શક્ય જ નથી.’ શેઠના જવાબ સાંભળી મહાત્માજી મંદ મંદ હસ્યા અને પોતાની ઝોળીમાંથી અરીસો કાઢી બોલ્યા, ‘શેઠજી, તમારા જવાબ સાંભળી મને તમારાથી મોટો મૂર્ખ આ સંસારમાં જણાતો નથી એટલે આ લો તમારો અરીસો. અરીસામાં સૌથી મોટા મૂર્ખને તમે જુઓ.’
મહાત્માજીની વાતનો ગૂઢ અર્થ શેઠ સમજી ન શક્યા. તેમણે મહાત્માજીને કહ્યું, ‘કેમ, આમ કહો છો? મેં શું મૂર્ખામી કરી છે?’ મહાત્માજી બોલ્યા, ‘શેઠજી, તમે બધી જ વસ્તુઓના નિઃસત્ત્વને જાણો છો. તમને ખબર છે કે ધન સર્વશક્તિમાન નથી છતાં તમે આખું જીવન ધન મેળવવામાં અને ધનના અભિમાનમાં જ પૂરું કર્યું છે. ભગવાનને ભજ્યા નથી. કોઈની મદદ કરી નથી. તેથી તમારાથી મોટો મૂર્ખ બીજો કોણ હોઈ શકે? શેઠ ચૂપ થઈ ગયા. આજે મોટા ભાગે લોકો આવા શેઠ જેવા છે. જે અન્યને મૂર્ખ સમજે છે પરંતુ સ્વયં શું ભૂલ કરી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે તેની જ ખબર જ નથી હોતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.