Columns

સૌથી ધનવાન કોણ?

એક દિવસ ગુરુજીએ શિષ્યોને એક પ્રશ્ન પૂછ્યો, ‘તમે બધા અહીં જ્ઞાન મેળવવા આવ્યા છો તે જ્ઞાનનો આગળ જઈને શું ઉપયોગ કરશો ??’બધા શિયોઆએ જુદા જુદા જવાબ આપ્યા કોઈકે કહ્યું, ‘આગળ વધુ જ્ઞાન લેવા કાશી જઈશ..’બીજાએ કહ્યું, ‘કોઈ રાજાના દરબારમાં પંડિત બનીશ.’ત્રીજાએ કહ્યું, ‘મારા ગામમાં કોઈ આટલું વિદ્વાન નથી એટલે આખા ગામમાં હું જ સૌથી વિદ્વાન પંડિત બની બધાને માર્ગદર્શન આપીશ.’બધાનો જવાબ થોડો થોડો જુદો હતો પણ સુર એક જ હતો વિદ્વાન થવું. ગુરુજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘તમે બધા જ વિદ્વાન બનવા માંગો છો શા માટે ??’

બધા બોલ્યા, ‘ગુરુજી , જ્ઞાન મેળવી ,વિદ્વાન બની અમારે ખુબ આગળ વધી ખુબ શ્રીમંત થવું છે…’ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘એટલે એમ આખોને તમે બધા જીવનમાં ધનવાન બનવા જ અહીં આવ્યા છો ….’કોઈ કઈ બોલ્યું નહિ …ગુરુજી આગળ બોલ્યા, ‘શિષ્યો , ધન બહુ જરૂરી છે અને તે મેળવવું જ જોઈએ પણ આજે હું તમને પૂછું છું શું તમને ખબર છે કે સૌથી વધુ ધનવાન કોણ છે ??’ફરી બધાએ જવાબ જુદા જુદા આપ્યા રાજા ..મંત્રી…નગર શેઠ …શાહુકાર વગેરે વગેરે…ગુરુજી બોલ્યા, ‘તમારા બધાના જવાબ જુદા જુદા છે પણ સુર ફરી એક જ છે કે જેની પાસે વધુ ધન છે તે સૌથી વધુ ધનવાન છે….પણ હકીકતમાં એવું નથી …

જેની પાસે સ્વજનોનો પ્રેમ છે …જેની પાસે આવશ્યક વિદ્યા છે …જેની પાસે પરિવાર છે …જેની પાસે બાળકો છે …જેની પાસે મિત્રો છે …જેની પાસસે મનગમતું કામ છે …જેના મનમાં શાંતિ છે ..જેનું શરીર એકદમ સ્વસ્થ છે તે બધા વધુ ધનવાન છે અને સૌથી વધુ ધનવાન કોણ છે ખબર છે ??’કોઈએ જવાબ ન આપ્યો પણ બધા ગુરુજીનો જવાબ જાણવા આતુર બન્યા. ગુરુજી બોલ્યા, ‘સૌથી વધુ ધનવાન એ છે કે જે જીવનની દરેક પરિસ્થિતિમાં ખુશ રહીને હસી શકે છે જે સામેવાળાને પોતાનું એક સ્મિત આપીને તેનું દિલ જીતીને કોઈને પણ પોતાના કરી શકે છે. જેનો સ્મિત મઢેલો હસતો ચહેરો બીજાના ચહેરા પર પણ સ્મિતનો ચેપ લગાડી શકે છે.તે વ્યક્તિ મારા મતે સૌથી વધુ ધનવાન છે.તમે બીજાને શું આપી શકો તે તમારી પાસે શું છે તેની પર આધાર રાખે છે પરંતુ તમે જે મળે તેને એક સ્મિત તો આપી જ શકો છો અને તેનું દિલ જીતી શકો છો.’ગુરુજીએ સુંદર સમજ આપી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top