કુલ 33,190 મે.ટન કચરાના પ્રોસેસિંગનો માર્ગ મોકળો; ₹851/મે.ટનના ભાવે કચરા પ્રોસેસિંગને લીલી ઝંડી; વહીવટી સત્તા કમિશનરને સોંપાશે.
સ્થાયી સમિતિ 14 નવેમ્બરે નિર્ણય લેશે

વડોદરા મહાનગરપાલિકાની હદ બહારના ‘આઉટગ્રોથ’ વિસ્તારોમાંથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામડાંઓમાંથી એકત્ર કરાતા ઘન કચરાના નિકાલની મુદત લંબાવવા અંગે આગામી શુક્રવાર, 14 નવેમ્બરના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાશે.
અગાઉ સ્થાયી સમિતિના ઠરાવથી આ કચરા નિકાલની જે મંજૂરી મળી હતી, તેની મુદત ડિસેમ્બર 2025માં પૂર્ણ થઈ રહી છે. આ મુદતમાં વધારો કરવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવેમ્બર 2026 સુધી લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
વહીવટી વિભાગ તરફથી સ્થાયી સમિતિ સમક્ષ આવેલી ભલામણ મુજબ, વુડા/ડીઆરડીએ વિસ્તારમાં ઉત્પન્ન થતા સોલિડ વેસ્ટને મકરપુરા ખાતેના રે.સ. 346 સ્થળે અને પ્લાસ્ટિક વેસ્ટને અટલાદરા સ્થિત પ્લાસ્ટિક રિસાયકલિંગ ફેસિલિટી ખાતે સ્વખર્ચે વહન કરવાની શરતે કામગીરી ચાલુ રાખવામાં આવશે.
આ ઉપરાંત, સ્થાયી સમિતિ દ્વારા વખતોવખત મંજૂર કરાયેલ પ્રોસેસિંગનો પ્રતિ મેટ્રિક ટનનો ભાવ વસૂલ કરવાની શરત પણ યથાવત્ રહેશે. અત્યાર સુધીમાં એકત્ર થયેલ કુલ 33,160 મેટ્રિક ટન કચરાને મે. ઝિગ્મા એન્વાયરો સો. પ્રા. લિ. દ્વારા રૂ. 851 પ્રતિ મેટ્રિક ટનના દરે પ્રોસેસ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી અંગેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણ પણ વહીવટી વિભાગે કરી છે. આ પ્રસ્તાવિત ભલામણો પર સ્થાયી સમિતિ અંતિમ મંજૂરીની મહોર મારશે. આ નિર્ણયથી આઉટગ્રોથ વિસ્તારના કચરાના વ્યવસ્થાપનમાં સાતત્ય જળવાઈ રહેશે.
શું છે અગત્યના મુદ્દાઓ
*મુદત વધારવાની દરખાસ્ત: ડિસેમ્બર 2025 થી નવેમ્બર 2026 સુધી.
*વેસ્ટ પ્રોસેસિંગ: 33,190 મે.ટન કચરો, રૂ. 851/મે.ટનનો ભાવ.
*તમામ કામગીરી અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને.
*14 નવેમ્બર, શુક્રવારે થનારી બેઠક પર નજર