Vadodara

સોયાના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ. 79.17 લાખનો દારૂ ઝડપાયો

NH-48 પર માંગલેજ નજીક કરજણ પોલીસે હોટલ પાર્કિંગમાંથી કન્ટેનર પકડી પાડ્યું, બે રાજસ્થાની યુવકોની ધરપકડ

પ્રતિનિધિ વડોદરા તા.12

થર્ટી-ફર્સ્ટની રાત્રિના જશ્ન માટે બૂટલેગરો સક્રિય બનતા, રાજ્ય બહારથી ગુજરાતમાં મોટા પાયે દારૂ ઘુસાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આ દરમિયાન કરજણ પોલીસે નેશનલ હાઇવે 48 પર માંગલેજ ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં રેડ કરતાં રૂ. 79.17 લાખના વિદેશી દારૂ સાથે ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું.


કન્ટેનરમાં ઉપરથી સોયાબીનના કટ્ટા રાખી, તેની પાછળ દારૂની પેટીઓ કાયદા-વહીવટથી છૂપાવવામાં આવી હતી. પોલીસે દારૂ, કન્ટેનર અને મોબાઇલ સહિત કુલ રૂ. 89.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

શંકાસ્પદ કન્ટેનરની બાતમી મળતા રેડ

કરજણ પોલીસને બાતમી મળી હતી કે હોટલના પરિસરમાં કોઈ શંકાસ્પદ કન્ટેનર પાર્ક કરાયું છે. 11 ડિસેમ્બરના રોજ પોલીસ ટીમે સ્થળ પર રેડ કરીને કન્ટેનરમાં તપાસ કરતાં પ્રથમ ઉપર સોયાના કટ્ટા અને તેની પાછળ છુપાવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. કરજણ પોલીસે કન્ટેનરના ચાલક બુદ્ધિપ્રકાશ સુરેન્દ્રચંદ્ર ઢોલી અને ક્લીનર રવિ સુરેશચંદ્ર ઢોલી (બંને રહેવાસી – ચાપાનેરી, અજીમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે.
પોલીસ હવે તપાસ કરી રહી છે કે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો, અને કયા નેટવર્ક માટે આ હેરાફેરી થતી હતી.

થર્ટી-ફર્સ્ટને પગલે હાઇવે પર પોલીસની કડક નજર

દર વર્ષે 31મી ડિસેમ્બરના પૂર્વે દારૂની હેરાફેરી વધી જતી હોઈ, જિલ્લા પોલીસે હાઇવે પર ખાસ નજર રાખી છે. ટ્રક અને કન્ટેનર દ્વારા મોટા પાયે દારૂ રાજ્યમાં લાવવામાં આવતા હોય છે, જેને તોડવા માટે સતત ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

Most Popular

To Top