શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ અને અભિનેત્રી નેહા શર્મા તેમજ ઉર્વશી રૌતેલા સહિત અનેક સેલિબ્રિટીઓની સંપત્તિ જપ્ત કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી હતી.
આ તપાસ કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સ સાથે સંબંધિત છે જેના પર વ્યક્તિઓ અને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટા પાયે કરચોરી કરવાનો આરોપ છે. કંપનીનો દાવો છે કે 1xBet એક વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બુકમેકર છે જેને સટ્ટાબાજી ઉદ્યોગમાં 18 વર્ષથી વધુનો અનુભવ છે. તેના ગ્રાહકો હજારો રમતગમતની ઇવેન્ટ્સ પર સટ્ટો લગાવી શકે છે. કંપનીની વેબસાઇટ અને એપ્લિકેશન 70 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
ED મુજબ સોનુ સૂદની આશરે 1 કરોડ રૂપિયા, યુવરાજ સિંહની 2.5 કરોડ રૂપિયા, નેહા શર્માની 1.26 કરોડ રૂપિયા, ઉર્વશી રૌતેલાની 2.02 કરોડ (આ મિલકત ઉર્વશીની માતાના નામે નોંધાયેલી છે) અને રોબિન ઉથપ્પાની 8.26 લાખ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં ED એ કુલ 7.93 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. અગાઉ આ કેસમાં ED એ શિખર ધવનની 4.55 કરોડ રૂપિયા અને સુરેશ રૈનાની 6.64 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી હતી. અત્યાર સુધીમાં ED એ 1xBet કેસમાં કુલ 19.07 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે.
સપ્ટેમ્બરની શરૂઆતમાં ED એ 1xBet એપ કેસમાં ક્રિકેટર યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા અને શિખર ધવન, અભિનેતા સોનુ સૂદ, અભિનેત્રી મીમી ચક્રવર્તી (ભૂતપૂર્વ TMC સાંસદ) અને અંકુશ હઝરા (બંગાળી અભિનેતા) ની પૂછપરછ કરી હતી. કેટલાક ઓનલાઇન પ્રભાવકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.