Business

સોના અને ચાંદી વચ્ચે રોકાણકારો ચાંદી પર કેમ પસંદગી ઊતારી રહ્યાં છે?

સોનાના ભાવ તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા પછી ઘટી રહ્યા છે ત્યારે ચાંદીના ભાવોમાં તોફાની તેજી આવી છે. છેલ્લા ૧૦ દિવસમાં જ ૧ કિલોગ્રામ ચાંદીના ભાવમાં ૧૦,૦૦૦ રૂપિયાનો વિક્રમી વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં પ્રખ્યાત પુસ્તક રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીની આગાહી સાચી પડી રહી હોય તેવું લાગે છે, જેમાં તેમણે ચાંદીને ધનવાન બનવાનું સાધન ગણાવ્યું હતું. જો આપણે ગયા મહિનામાં ચાંદીના ભાવમાં થયેલા ફેરફાર પર નજર કરીએ તો ૯ મેના રોજ તેની કિંમત ૯૬,૭૨૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી અને જૂનની શરૂઆતમાં જ તે ૧ લાખને પાર કરી ગઈ હતી. હવે તે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.

રોબર્ટ ટી. કિયોસાકી દરરોજ તેમના X એકાઉન્ટ દ્વારા રોકાણ માટે સલાહ આપતા રહે છે અને તેમની દરેક સલાહમાં સોનું, ચાંદી અને બિટકોઇનમાં રોકાણ ટોચ પર હોય છે. લગભગ બે વર્ષ પહેલાં કરેલી એક પોસ્ટમાં તેમણે ચાંદીમાં રોકાણને ધનવાન બનવાનો એક માર્ગ ગણાવ્યો હતો. તાજેતરમાં તેમણે બીજી એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં આકાશને સ્પર્શી ગયેલી ચાંદીની કિંમત બમણી થઈ જશે. ચાંદી આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૬.૪૮ ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી છે. ૬ જૂને રોબર્ટ કિયોસાકીની સોશ્યલ મિડિયા પોસ્ટ જોઈએ તો તેમણે આગાહી કરી હતી કે ચાંદી આ વર્ષે ૭૦ ડોલર પ્રતિ ઔંસને પાર કરશે.

ચાંદીના ભાવો વધવાનું મુખ્ય કારણ તેનો સતત વધી રહેલો ઉપયોગ છે. સોનાનો ઉપયોગ માત્ર ઘરેણાં બનાવવા માટે થાય છે, જ્યારે ચાંદીનો અનેક ઉદ્યોગોમાં પણ ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ, સૌર પેનલ્સ, ઓટોમોટિવ અને તબીબી ઉપકરણોમાં ચાંદીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. નવીનીકરણીય ઊર્જા, ખાસ કરીને સૌર ઊર્જા તરફ વૈશ્વિક દબાણને કારણે ચાંદીની માંગમાં વધારો થયો છે. અમેરિકા-ચીન વેપાર તણાવ અને પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય તણાવે રોકાણકારોને ચાંદીમાં રોકાણ કરવા આકર્ષ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલીક ટેકનોલોજી ઉત્પાદનો પર ટેરિફ માફ કરવાથી વેપાર તણાવ ઓછો થયો છે, જેનાથી ચાંદીનો ભાવ વધ્યો છે. ફુગાવા અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાની પણ ચાંદીના ભાવ પર અસર પડી છે.

સૌર ઊર્જા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ચાંદીની માંગ આગામી થોડાં વર્ષોમાં વધુ વધવાની ધારણા છે. ખાસ કરીને, આપણા દેશમાં નવીનીકરણીય ઊર્જા પર વધતું રોકાણ ચાંદીની માંગને ટેકો આપશે. ચાંદીને સોના કરતાં વધુ સસ્તું અને પ્રવાહી રોકાણ માનવામાં આવે છે. આગામી ૨-૩ વર્ષમાં ચાંદી સોના કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે, કારણ કે ઔદ્યોગિક માંગ સતત વધી રહી છે. વૈશ્વિક બજારની અસ્થિરતા, રૂપિયા-ડોલર વિનિમય દર અને સરકારી નીતિઓથી ચાંદીના ભાવ પ્રભાવિત થશે. જો રૂપિયાનું મૂલ્ય ઘટશે તો દેશમાં ચાંદીના ભાવ વધી શકે છે. 

ઐતિહાસિક રીતે વિચારીએ તો આજની તારીખમાં સોનાની સરખામણીમાં ચાંદી ઘણી સસ્તી છે, જે વાસ્તવિકતાથી વિરુદ્ધ છે. ભારતમાં ભૂતકાળમાં ચાંદીના દસ રૂપિયા સામે એક સોનામહોર મળતી હતી. તેમાં રૂપિયાનું વજન એક તોલો રહેતું હતું અને સોનામહોર પણ એક તોલાની જ રહેતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો દસ કિલોગ્રામ ચાંદી સામે એક કિલોગ્રામ સોનું મળતું હતું. જો આંકડાશાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો સોના અને ચાંદી વચ્ચેના ભાવનો ગુણોત્તર ૧: ૧૦ જેટલો જ હતો. આજની તારીખમાં આ ગુણોત્તર ૧: ૯૦ જેટલો વધી ગયો છે.

આ ગુણોત્તર કૃત્રિમ રીતે ઊંચો લઈ જવામાં આવ્યો છે. વિશ્વમાં કિંમતી ધાતુના ભાવો પર અંકુશ ધરાવતી ટોળી દ્વારા ચાંદીના ભાવોને કૃત્રિમ રીતે નીચા રાખવામાં આવ્યા છે. જો સોના-ચાંદીનો ગુણોત્તર ફરીથી ૧: ૧૦ થઈ જાય તો આજની તારીખમાં એક કિલોગ્રામ ચાંદીની કિંમત ૧૦ લાખ રૂપિયા હોવી જોઈએ. જો સોના-ચાંદીનો ગુણોત્તર વધીને ૧: ૫૦ થાય તો પણ એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બે લાખ રૂપિયા હોવો જોઈએ. જાણકારો કહે છે કે ૧: ૫૦ ગુણોત્તર નજીકના ભવિષ્યમાં થઈ શકે છે.

સોના અને ચાંદીનો ભાવ વધવાનું મુખ્ય કારણ દુનિયામાં અમેરિકાના ડોલરનો ઝડપથી ઓસરી રહેલો પ્રભાવ છે. સોના અને ચાંદીના ભાવોને હંમેશા ડોલરના ભાવો સાથે જોડવામાં આવે છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા જેમ જેમ વધારે ડોલર પેદા કરવામાં આવે છે, તેમ તેમ સોના અને ચાંદીના ભાવોમાં વધારો થાય છે. ઇ.સ. ૧૯૩૦માં સોનાનો ભાવ ૩૦ ડોલર પ્રતિ ઔંસ હતો, જે આજે ૩,૩૦૦ ડોલર કરતાં પણ આગળ નીકળી ગયો છે. હકીકતમાં સોનાનો ભાવ નથી વધ્યો પણ સોનાની સરખામણીમાં ડોલરના ભાવોમાં ઘટાડો થયો છે.

જો બ્રિક્સના દેશો દ્વારા પોતાની કરન્સી તરતી મૂકવામાં આવશે તો ડોલરના ભાવોમાં મોટો કડાકો બોલી શકે છે. આજની તારીખમાં પણ દુનિયાની ઘણી સેન્ટ્રલ બેન્કો તેમની પાસેના ડોલર કે ટ્રેઝરી બોન્ડ વેચીને સોનું કે ચાંદી ખરીદી રહી છે, જેને કારણે પણ સોના અને ચાંદીના ભાવો વધી રહ્યા છે. જો રિઝર્વ કરન્સી તરીકે ડોલરનું સ્થાન કોઈ અન્ય કરન્સી નહીં લઈ શકે તો સોનું કે ચાંદી જ રિઝર્વ કરન્સી બની જશે. તેવા સંયોગોમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ચૂકવણી માટે પણ સોના-ચાંદીનો ઉપયોગ થવા લાગશે. જે દિવસે ડોલરના ભાવોમાં કડાકો બોલશે તે દિવસે સોના-ચાંદીના ભાવોમાં ભડકો થશે.

કિંમતી ધાતુઓનો આંતરરાષ્ટ્રીય વેપાર કરતી કાર્ટેલ સોના અને ચાંદીના ભાવોને કૃત્રિમ રીતે નીચા રાખવા માટે ગોલ્ડ અને સિલ્વર ઇટીએફનો ઉપયોગ કરે છે. ઇટીએફનો અર્થ ઇક્વિટી ટ્રેડેડ ફંડ થાય છે. ઇટીએફ હકીકતમાં એક જાતના ગોલ્ડ કે સિલ્વર બોન્ડ છે. અમેરિકાના કોમેક્સમાં જેટલા પણ સોના કે ચાંદીના સોદા પડે છે, તેમાં મોટા ભાગના કિસ્સામાં કિંમતી ધાતુની ડિલિવરી લેવામાં નથી આવતી પણ તેના બોન્ડ જ ખરીદવામાં આવે છે.

આ બોન્ડ જ્યારે પણ રજૂ કરવામાં આવે ત્યારે સોનાની કે ચાંદીની ડિલિવરી મળી જાય છે. રોકાણકારો પણ સોના કે ચાંદીની ડિલિવરી લેવાને બદલે બોન્ડ વેચીને નફો ગાંઠે બાંધતાં જોવા મળે છે. આ કારણે સોનામાં એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે કોમેક્સમાં જેટલું સોનું વેચાય છે, તેના ૯૬ ટકા બોન્ડના સ્વરૂપમાં જ વેચાય છે. માત્ર આશરે ચાર ટકા લોકો જ ડિલિવરી લેતાં જોવા મળે છે. બાકીના ખરીદદારોને ભરોસો છે કે તેઓ જ્યારે બોન્ડ રજૂ કરશે ત્યારે તેમને સોનાની કે ચાંદીની ડિલિવરી મળશે.

હવે વિચિત્ર વાત એ છે કે માર્કેટમાં જેટલું સોનું છે તેના કરતાં લગભગ ૨૫ ગણા ઇટીએફ ઇશ્યુ કરવામાં આવ્યા છે, જેને કારણે સોનું કે ચાંદી ખરીદનારાના હાથમાં માત્ર કાગળિયા પકડાવી દેવામાં આવ્યા છે. જો બધાં રોકાણકારો કાગળિયા લઈને સોનું કે ચાંદી લેવા જાય તો દુનિયામાં એટલું સોનું કે ચાંદી છે જ નહીં. લોકોને ભરોસો છે, માટે તેઓ સોનું કે ચાંદી માંગતાં નથી, પણ કાગળિયાથી જ પોતાનો કારોબાર ચલાવે છે. જે દિવસે લોકોનો ભરોસો તૂટી જશે તે દિવસે લોકો કાગળિયા સામે સોનું કે ચાંદી લેવા જશે ત્યારે તેના ભાવમાં અધધધ ઉછાળો આવશે, કારણ કે બજારમાં તેટલો માલ જ નહીં હોય. છેલ્લા થોડા દિવસોમાં કોમેક્સ પર ડિલિવરીનું દબાણ વધી ગયું છે, જેને કારણે સોનામાં અને ચાંદીમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. જેમની પાસે કાગળિયા છે તેવાં દસ ટકા લોકો પણ જો ડિલિવરી માગશે તો ભાવો રોકેટ બની જશે.

રોકાણકારો દ્વારા સોના અને ચાંદીના જે ઇટીએફ ખરીદવામાં આવી રહ્યા છે, તેમાં પણ મોટું અંતર છે. રોકાણકારો સોનામાં ૯૬ ટકા ખરીદી ઇટીએફના માધ્યમથી કરી રહ્યા છે, પણ ચાંદીમાં તે પ્રમાણ ૯૯ ટકા જેટલું છે. ચાંદી ખરીદનારા માત્ર ૧ ટકા રોકાણકારો જ ડિલિવરી માગે છે. બીજા શબ્દોમાં બજારમાં જેટલી ચાંદી છે તેના કરતાં ૯૯ ગણી ચાંદી તેમણે વેચી છે. અમેરિકામાં ચાલી રહેલી અંધાધૂંધીને કારણે લોકોનો ડોલરમાં વિશ્વાસ ઘટી રહ્યો છે, જેના કારણે વધુ ને વધુ રોકાણકારો સોના અને ચાંદીની ડિલિવરી માગી રહ્યા છે.

ખાણમાંથી જેટલું સોનું નીકળે છે તેના કરતાં દસ ગણી જ ચાંદી નીકળે છે, તેમ છતાં સોનાના ભાવો ચાંદી કરતાં ૯૦ ગણા છે. જે દિવસે ચાંદી તેની મૂળ કિંમત પર આવી જશે ત્યારે તેનો ભાવ કિલોના દસ લાખ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. આ કારણે ઘણા સમજદાર રોકાણકારો સોનું વેચીને ચાંદી ખરીદી રહ્યા છે. જો કે હાલમાં તો કોઈ પણ કરન્સી વેચીને તેની સામે સોનું કે ચાંદી ખરીદવામાં જ ડહાપણ રહેલું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top