Vadodara

સોનામાં ‘તેજીનો કરંટ’ અને ચાંદીમાં ‘વિસ્ફોટ’: ₹4 લાખે પહોંચેલી ચાંદી પાછળ ચીન અને EV સેક્ટરનું મોટું કાવતરું?


વડોદરાના જ્વેલર સુનિલ ગણદેવીકરનું સચોટ વિશ્લેષણ; ડોલરનું વર્ચસ્વ ઘટતા હવે દેશોએ તિજોરીઓમાં ડોલરને બદલે સોનું ભરવાનું શરૂ કર્યું

વડોદરા: વર્તમાન સમયમાં સોના અને ખાસ કરીને ચાંદીના ભાવમાં જે અસાધારણ ઉછાળો જોવા મળી રહ્યો છે, તેણે રોકાણકારો અને ગ્રાહકો બંનેને મૂંઝવણમાં મૂકી દીધા છે. સોનું આજે ₹1,85,000 ની સપાટીએ પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં તો માત્ર ત્રણ મહિનામાં જ જબરદસ્ત તેજી જોવા મળી છે. આ ભાવવધારા પાછળના ગૂઢ કારણો સમજાવતા વડોદરાના જાણીતા ગણદેવીકર જ્વેલર્સના સુનિલ લખમણરાવ ગણદેવીકર જણાવે છે કે, આ માત્ર સ્થાનિક માર્કેટની વધઘટ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે થઈ રહેલા મોટા ફેરફારોનું પરિણામ છે.
ગણદેવીકરના જણાવ્યા મુજબ, અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં 90% વ્યવહારો અમેરિકન ડોલરમાં થતા હતા. પરંતુ હવે રશિયા, બ્રિક્સ દેશો અને અન્ય રાષ્ટ્રો પોતાની કરન્સીમાં વેપાર કરવાનું આયોજન કરી રહ્યા છે. અગાઉ દેશો અમેરિકાના ટ્રેઝરી બોન્ડમાં રોકાણ કરતા હતા, પરંતુ હવે તેની મેચ્યોરિટી પર ડોલર ખરીદવાને બદલે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો મોટા પાયે સોનું ખરીદી રહી છે. ડોલર પ્રત્યેનો વિશ્વાસ ઘટતા સોનાની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે.
ચાંદીના ભાવમાં આવેલી તેજી સૌથી વધુ આશ્ચર્યજનક છે. દિવાળી સુધી જે ચાંદી ₹1.25 લાખની આસપાસ હતી, તે હવે ₹4 લાખ સુધી પહોંચી ગઈ છે. આ પાછળના મુખ્ય કારણો છે કે હવે ચાંદી માત્ર ઘરેણાં પૂરતી મર્યાદિત નથી. ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી, કેમિકલ ફેક્ટરીઓ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ચાંદીનો વપરાશ અનિવાર્ય બન્યો છે. વિશ્વના ચાંદીના બજારમાં ચીનનો 30% હિસ્સો છે. 1 જાન્યુઆરી, 2026 થી ચીન સરકારે ચાંદીની નિકાસ પર મર્યાદા મૂકી છે, જેના કારણે બજારમાં ચાંદીની ભારે અછત સર્જાઈ છે. પહેલા લોકો માત્ર સોનામાં રોકાણ કરતા હતા, હવે લોકો ચાંદીને સલામત રોકાણ માની રહ્યા છે.
તાંબાના ભાવ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તાંબું હાલ ₹1500 ના ભાવે મળી રહ્યું છે (જે પહેલા ₹400-500 હતું), પરંતુ તેનો જથ્થો લાખો ટનમાં ઉપલબ્ધ હોવાથી તેમાં સોના-ચાંદી જેવી અચાનક તેજી આવવાની શક્યતા ઓછી છે. અંતમાં, સુનિલ ગણદેવીકરે ગ્રાહકોને સલાહ આપી છે કે, હાલના અસ્થિર માર્કેટમાં ઉતાવળ કરીને ખરીદી કરવાને બદલે માર્કેટ થોડું સ્થિર થાય તેની રાહ જોવી હિતાવહ છે.
કેમ વધી રહ્યા છે ભાવ?
​વૈશ્વિક અશાંતિ: દેશો વચ્ચેની અનબન, ટ્રેડ વોર અને ટેરિફ વોરના કારણે બજારમાં અસ્થિરતા.
*​ડોલર મુક્તિ: દેશો ડોલર છોડીને સોનાના સંગ્રહ તરફ વળ્યા છે.
*​નવી ટેકનોલોજી: ઇલેક્ટ્રિક કાર અને બેટરીમાં ચાંદીનો વધતો વપરાશ.
*​ચાઇના ફેક્ટર: 1 જાન્યુઆરી 2026થી ચીને ચાંદીના વેપાર પર નિયંત્રણો લાદ્યા.
*​નિષ્ણાતની સલાહ: ભાવ હજુ વધી શકે છે, પણ હાલ ખરીદીમાં ઉતાવળ ન કરી બજાર સ્થિર થવાની રાહ જુઓ.

Most Popular

To Top