સાયબર ક્રાઇમ પોલીસે ગઠિયા સામે ગુનો નોંધ્યો
(પ્રતિનિધિ) આણંદ તા.22
સોજિત્રાના વિરોલ ગામમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા વ્યક્તિના બેંક ખાતામાંથી રૂ.2.51 લાખ જેવી રકમ ઉપાડી ગઇ હતી. આ અંગે તપાસ કરતાં અજાણ્યા શખ્સનો કારનામું હોવાનું ખુલ્યું હતું. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોજિત્રાના વિરોલ ગામમાં રહેતા જીતેન્દ્રભાઈ પૂનમભાઈ પટેલ ખેતી કામ કરે છે અને તેમના મોટા ભાઈ પ્રવિણભાઇની દિકરી શ્રુતિ અમેરિકા રહેતી હોવાથી તેઓ ઇમીગ્રેશન વિઝા પર અવાર નવાર અમેરિકા આવતા જતાં રહે છે. પ્રવિણભાઇ વિરોલ (સો) ખાતેથી નિવૃત્ત થયા હોવાથી તેઓનું પેન્શન પેટલાદની બેંકમાં આવે છે. દરમિયાનમાં પ્રવિણભાઈ એપ્રિલ-2023માં અમેરિકા ગયાં હતાં અને પેન્શનની રકમનું બેલેન્સ તપાસવા જીતેન્દ્રભાઈને જવાબદારી સોંપી હતી. આથી, જીતેન્દ્રભાઈ 15મી સપ્ટેમ્બરના રોજ બેંકમાં જઇ તપાસ કરતાં બેંક એકાઉન્ટ ઝીરો બેલેન્સ બતાવ્યું હતું. જેથી અમેરિકા ફોન કરી પુછતાં તેઓ પણ ચોંકી ગયાં હતાં. તેમણે કોઇ રકમ ઉપાડી ન હોવાનું જણાવ્યું હતું.
આથી, જીતેન્દ્રભાઈએ સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. જેમાં 2જી સપ્ટેમ્બર,2023થી 14મી સપ્ટેમ્બર,2023 સુધીમાં અલગ અલગ સમયે રૂ.2,51,168 વિડ્રો થઇ હતી. આ અંગે બેંકમાં તપાસ કરતાં યુપીઆઈથી ઓનલાઇન ટ્રાન્જેકશન થયેલાનું જણાયું હતું. પ્રવિણભાઈના બેંક એકાઉન્ટમાં તેઓના મોબાઇલ નંબરની લીંક હતી. પરંતુ તેઓ વિદેશ ગયા બાદ તે મોબાઇલ નંબર પર કોઇ પણ જાતનું રિચાર્જ કરાવ્યું નહીં. જેથી તે મોબાઇલ નંબર કંપનીએ બંધ કરી દીધો હતો. પરંતુ તે મોબાઇલ બેંક એકાઉન્ટમાં રિમુવ કરાવેલો નહતો. જે મોબાઇલ બેંકમાં એક્ટીવ બતાવતો હતો. જે નંબર પર કોલ કરતાં સામેથી ભાઇએ ફોન રીસીવ કર્યો હતો. પરંતુ પોતાનું નામ જણાવ્યું નહતું અને ફોન કટ કરી દીધો હતો. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખ્સ સામે રૂ.2,51,168ની છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઇમમાં આ નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ગઇ છે. એનઆરઆઈના બંધ કરાવેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી તેના બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપાડવાનો નવતર કમીયો ચોંકાવનારો છે.
સોજિત્રામાં NRIના ખાતામાંથી બારોબાર 2.51 લાખ ઉપડી ગયાં
By
Posted on