Charotar

સોજિત્રાના ગઠિયાએ વિદેશ વાંચ્છુ સાથે 25 લાખની છેતરપિંડી કરી

વિદ્યાનગરમાં બંસરી ઓવરસીસના પ્રોપરાઇટરે વિદેશ વાંચ્છુ સાથે ઠગાઇ આચરી

લંડન માટે વર્ક પરમિટ વિઝા આપવાનું કહી ત્રણ વ્યક્તિને છેતર્યાં

આણંદ વિદ્યાનગર ખાતે સોજિત્રાના શખ્સે ઓફિસ ખોલી લોકોને વિદેશના વિઝા આપવાના બહાને છેતરપિંડીનો ધંધો શરૂ કર્યો હતો. આ શખ્સે ત્રણ વ્યક્તિ પાસેથી રૂ.25 લાખ લઇ ઠગાઇ કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાદરણમાં રહેતા રાજેશકુમાર કનુભાઈ મકવાણા (ઉ.વ.46) ખેતી કામ કરે છે. તેમની દિકરી માનસીબહેનને વિદેશ લંડન ખાતે વર્ક પરમીટ ઉપર જવું હોય તે વિદ્યાનગરમાં આવેલી કલાસીસમાં આઈઈએલટીએસનો અભ્યાસ કરવા આવતી હતી. આ દરમિયાન ભાઇકાકા પાસે આવેલા બંસરી ઓવરસીસના પ્રોપરાઇટર પિયુષ ભાસ્કર પટેલ (રહે. સમડી ચકલા, સોજિત્રા) વિષે સાંભળ્યું હતું. આથી, જૂન-2023માં રાજેશકુમાર અને માનસી બંસરી ઓવરસીસની ઓફિસે મળવા ગયાં હતાં. જ્યાં માનસીને વિદેશ લંડન વર્ક પરમીટ ઉપર જવા અંગે વિઝાના ખર્ચ પેટે રૂ.23 લાખ આપવાનું નક્કી થયું હતું. જેમાં સાત લાખ એડવાન્સ બાકીના લંડન પહોંચી નોકરી મળયા બાદ ચુકવી આપવાનાં હતાં. આથી, રાજેશકુમારે 20મી જૂન,2023ના રોજ આરટીજીએસથી રૂ. એઢી લાખ, બાદમાં બે લાખ અને ફરી અઢી લાખ રોકડા ઓફિસે આપ્યાં હતાં. આ ઉપરાંત રાજેશકુમારની ભાણી મિતાલી સંજયભાઈ પાટીલને પણ લંડન વર્ક પરમિટ વિઝા માટે રૂ.8.50 લાખ આપી કામ સોંપ્યું હતું.

આમ માનસી અને મિતાલીને લંડન માટે વર્ક પરમિટની ફાઇલ મુકવામાં આવી હતી. જોકે, ફાઇલ અંગે પિયુષને ફોન કરી પુછતા તેણે થોડા દિવસમાં કામ થઇ જશે. તેમ જણાવ્યું હતું. બીજી તરફ પિયુષે વધુ રૂપિયા એક લાખ રાજેશકુમાર પાસે માંગ્યાં હતાં. પરંતુ તેઓએ રકમ આપવાની ના પાડી હતી અને વિઝા માટે પણ ના પાડી ભરેલા રૂપિયા પરત માંગ્યાં હતાં. આથી, પિયુષે એક માસમાં પરત આપવા જણાવ્યું હતું. જોકે, વારંવાર ફોન કરવા છતાં રૂપિયા પરત આપતો નહતો અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આ અંગે તપાસ કરતાં રાજેશકુમારને જાણવા મળ્યું હતું કે, પિયુષ ભાસ્કર પટેલે વિદેશના બહાને ઋતિક પંકજભાઈ ખલાસી (રહે. ખંભાત) પાસેથી પણ રૂ.9.50 લાખની છેતરપિંડી આચરી છે. આમ, પિયુષ ભાસ્કરે મિતાલી, માનસી અને ઋતિક પાસેથી કુલ રૂ.25 લાખ પડાવી તેમને લંડનના વિઝા કરી આપ્યા ન હતા અને છેતરપિંડી કરી હતી. આ અંગે રાજેશકુમારે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પિયુષ ભાસ્કર પટેલ (રહે. ચમડી ચકલા, સોજિત્રા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top