વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર સહિત સમગ્ર જિલ્લામાં આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે સરકાર દ્વારા પ્રાયોજના વહીવટદારને ફાળવાતી વિવિધ યોજનાઓની ગ્રાંટ આદિમજૂથ સહિતની આદિવાસીઓ માટેની યોજનાઓ કચેરીના અધિકારીઓ અને સતાધીશો દ્વારા લાભાર્થીઓ સુધી પહોંચવા દેવામાં આવતી નથી. ગ્રાન્ટના રૂપિયાની બારોબાર વિવિધ બિન- આદિવાસીઓની એજન્સી દ્વારા ઉચાપત કરવામાં આવી રહી છે. સરકાર આદિવાસી વિસ્તારો માટે કરોડો રૂપિયા ફાળવે છે.
પરંતુ તે રૂપિયા ક્યાં જાય છે, તેની ખબર પડતી નથી. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં વિકાસ કે યોજનાઓ દેખાતી નથી. તેવા આક્ષેપો સાથે ઉચ્છલનાં કોંગ્રેસી ધારાસભ્ય સુનિત ગામીત અને જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ તેમજ સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુભ ગામીત સહિતનાં આગેવાનોએ કલેક્ટર અને તાલુકા કક્ષાએ મામલતદારોને આવેદન આપી વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચારની નિષ્પક્ષે સીબીઆઇ તપાસની માંગ કરી છે.
આવેદનમાં જણાવ્યુ છે કે હાલમાં જ સતાપક્ષના નેતા બિપિન ચૌધરીએ ટ્રાઇબલ કચેરી અને આયોજનની ગ્રાંટમાંથી ફાળવાતા વિકાસની યોજનાઓમાં અધિકારીઓ અને સતાધીશોએ કૌભાંડો કર્યાનાં આક્ષેપો કર્યા છે. પરંતુ તેની કોઇ જ તપાસ થતી નથી. માહિતી પણ આપવામાં આવતી નથી. જેથી આ ભ્રષ્ટાચારની નિષ્પક્ષ સીબીઆઈ તપાસ થાય તો ઘણાબધા અધિકારી અને સતાધીશોના કાળા ચિઠ્ઠા બહાર આવે તેમ છે. આદિવાસીઓને અન્યાય થઇ રહ્યો છે, તેઓ વિકાસથી વંચિત રહી ગયા છે.
ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓના ફક્ત નામો મંગાવી તાલીમ વગર પ્રમાણપત્ર આપી દેવાય છે
આક્ષેપ કરાયો છે કે, ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓના ફક્ત નામો મંગાવી તાલીમ વગર પ્રમાણપત્ર આપી દેવાય છે. તાલીમના રૂપિયા એજન્સી અને અધિકારીઓ હડપી રહ્યા છે. જેથી તમામ યોજનાઓની નિષ્પક્ષ તપાસ સીબીઆઈને સોપવામાં આવે. આવેદનમાં કેટલીક વિગતો પણ માંગવામાં આવી છે, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ટીએસપી કચેરીથી તાલુકા પંચાયતો અને એનજીઓને જુદી- જુદી તાલીમના નામે ફાળવાયેલા રૂપિયા તેમજ છેલ્લા પાંચ વર્ષમાં થયેલી તાલીમોની વિગત માંગી છે. તાલીમ જેને આપી હોય તેવી વ્યક્તિઓની તાલુકાવાર યાદી દિન- ૭માં આપવા જણાવી છે. દિન-૭માં માહિતી ન મળે તો તા. ૭મી જુલાઇથી ટીએસપી કચેરીને તાળા બંધીનો કાર્યક્રમ કોરોના માહામારીમાં પણ કરવા ચિમકી આપી છે.