Vadodara

‘સેવ BCA’ના સૂત્ર સાથે રોયલ અને સત્યમેવ જયતે જૂથનું ગઠબંધન

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં ફેરફાર

પ્રતિનિધિ) વડોદરા | તા. 22
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આવનારી ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. તાજેતરમાં યોજાયેલી મહત્વની બેઠકમાં રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ એકજૂટ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. બંને જૂથ હવે વર્તમાન પ્રમુખ પ્રણવ અમીન સામે સંયુક્ત રીતે ચૂંટણી લડશે.
આ બેઠકમાં રાજવી સમરજીતસિંહ ગાયકવાડ અને ડો. દર્શન બેન્કરના નેતૃત્વમાં બંને જૂથો એકમંચ પર આવ્યા હતા. બીસીએના અનેક પૂર્વ હોદ્દેદારો તથા સભ્યો પણ આ નવા ગઠબંધનમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. આગામી ચૂંટણી 15 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને કુલ આશરે 1800 સભ્યો મતાધિકાર ધરાવે છે.


ક્રિકેટના હિતમાં એકતા’ : સમરજીતસિંહ ગાયકવાડ
સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, “ક્રિકેટના હિતમાં અમે એકજૂટ થયા છીએ. બીસીએના સંચાલનમાં પારદર્શકતા લાવવી અને ટીમનું પ્રદર્શન વધુ સારું બને તે માટે પ્રયાસ કરીશું.” તેમણે ઉમેર્યું કે, જે ક્રિકેટ સાથે રહેશે તેની સાથે તેઓ ઊભા રહેશે.

પ્રમુખપદ માટે સીધી ટક્કર
પ્રાપ્ત માહિતી મુજબ, સમરજીત જૂથ તરફથી ડો. દર્શન બેન્કર પ્રમુખપદના ઉમેદવાર રહેશે, જ્યારે પ્રણવ અમીન જૂથ તરફથી કિરણ મોરે મેદાને ઉતરશે. અગાઉ સમરજીતસિંહ પ્રણવ અમીન જૂથ સાથે જોડાયેલા હતા, પરંતુ હવે સત્યમેવ જયતે જૂથમાં જોડાતા ચૂંટણી વધુ રસાકસીભરી બની છે.
સ્ટેડિયમનું નામ બદલવાની જાહેરાત
આ બેઠક દરમિયાન ડો. દર્શન બેન્કરે જણાવ્યું હતું કે, “લોકોની માંગ છે કે શહેરની ઓળખ સાથે જોડાયેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સન્માન થવું જોઈએ. જો અમે સત્તામાં આવીશું તો સ્ટેડિયમનું નામ મહારાજા સયાજીરાવ સ્ટેડિયમ રાખવામાં આવશે.”

દિગ્ગજ ક્રિકેટરોની હાજરી
આ બેઠકમાં નયન મોંગિયા, મુનાફ પટેલ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, કોનોર વિલિયમ્સ અને જેકોબ માર્ટિન જેવા જાણીતા ક્રિકેટરોની હાજરી રહી હતી, જેના કારણે બેઠકનું મહત્વ વધુ વધ્યું હતું.
આ ગઠબંધનથી બીસીએની ચૂંટણીમાં હવે જંગ વધુ કઠિન અને રસપ્રદ બનવાની શક્યતા છે.

Most Popular

To Top