અચાનક થયેલી દુર્ઘટનાને કારણે કાર્યક્રમમાં દહેશત ફેલાઈ
આયોજકો, સ્વયંસેવકોએ તાત્કાલિક દોડી આવી બાળકને ગરબા ગ્રાઉન્ડ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી
( પ્રતિનિધી )વડોદરા,તા.2
વડોદરા શહેરમાં શિશુઓ માટે દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા ગરબાની રમઝટ યોજાતી હોય છે. તેવી જ રીતે સેવાસી વિસ્તારમાં આવેલા એક ગ્રાઉન્ડ પર આયોજિત શિશુ ગરબા મહોત્સવ દરમિયાન અણધારી ઘટના બની હતી. કાર્યક્રમના ઉમંગ વચ્ચે કેટલાક લોકો દ્વારા ગરબા દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા અચાનક એક ફટાકડાનો નક્કર પદાર્થ સીધો જ બાળકોની વચ્ચે આવી પડ્યો હતો. આ ઘટનામાં એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા એક ગરબા ગ્રાઉન્ડમાં નાના બાળકો માટે આયોજીત શિશુ ગરબા મહોત્સવમાં ફટાકડાં ફોડવામાં આવ્યા હતા. જે દરમિયાન એક ફટાકડો બાળકોની વચ્ચે પડ્યો હતો. જેમાં એક બાળકના માથાના ભાગે ફટાકડાનો નાનો કણ લાગી જતા લોહીલુહાણ હાલત સર્જાઈ હતી. અચાનક થયેલી આ દુર્ઘટનાને કારણે કાર્યક્રમમાં દહેશત ફેલાઈ ગઈ હતી. બાળકો રમતા-નાચતા હતા ત્યારે થયેલા આ બનાવથી માતા-પિતામાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા કાર્યક્રમના આયોજકો તથા સ્વયંસેવકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાળકને ગરબા ગ્રાઉન્ડ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાં હાજર મેડિકલ ટીમ દ્વારા તુરંત પાટાપિંડી કરવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘણા માતા-પિતા પોતાના બાળકોને લઈને ભયભીત થઈ ગયા હતા અને કેટલાકે તુરંત કાર્યક્રમ છોડી દીધો હતો. આ ઘટનાને પગલે બાળકોના ગરબા કાર્યક્રમોમાં સુરક્ષા મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને નાના બાળકો સાથે આયોજિત કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ કે અન્ય ખતરનાક પ્રવૃત્તિઓ રોકવી જરૂરી છે. સ્થાનિક રહેવાસીઓએ પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી કે આવા ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકોની સુરક્ષા પ્રાથમિકતા હોવી જોઈએ. આયોજકોને સાવચેતી રાખવી જોઈએ જેથી આનંદનો પ્રસંગ દુર્ઘટનામાં ફેરવાય નહીં. હાલમાં બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. સેવાસી ખાતે બનેલી આ ઘટના બાદ હવે આવનારા દિવસોમાં બાળકોના કાર્યક્રમોમાં સુરક્ષાને લઈને વધુ કડક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી હતી.