Comments

સેબીનાં અધ્યક્ષે રાજીનામું આપીને તટસ્થ તપાસનો રસ્તો ખુલ્લો કરવો જોઈએ

ભારતનાં ૯૦ ટકા નાગરિકો માનતાં હશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે અદાણી જૂથની તરફેણ કરી રહ્યા છે, તેની પાછળ તેમનો કોઈ સ્વાર્થ છે. આ કારણે અદાણી જૂથને સંડોવતો કોઈ પણ વિવાદ જાહેરમાં આવે ત્યારે સનસનાટી પેદા થયા વગર રહેતી નથી. આ દિવસોમાં અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટને લઈને દેશમાં હોબાળો મચી ગયો છે. શનિવારે જાહેર કરાયેલા અહેવાલમાં હિંડનબર્ગે બજાર નિયામક સેબીના અધ્યક્ષ માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર નાણાંકીય અનિયમિતતાનો આરોપ મૂક્યો છે.

હિંડનબર્ગે સેબીનાં વડાં માધાબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી કેસમાં વપરાતા ઓફશોર ફંડ્સમાં હિસ્સો હોવાનો આરોપ મૂક્યો છે. હિંડનબર્ગનો આરોપ ગંભીર કક્ષાનો છે, કારણ કે સેબીનું કામ શેર બજારમાં કોઈ ગેરરીતિ ન થાય તેનો ખ્યાલ રાખવાનું છે. હકીકતમાં અગાઉ જ્યારે અદાણી બાબતમાં હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યારે તેની તપાસ કરવાનું કામ સેબીને સોંપવામાં આવ્યું હતું. સેબીએ તપાસ કરીને અદાણી જૂથને ક્લિન ચીટ આપી હતી. જો સેબીનાં અધ્યક્ષ અદાણી જૂથમાં હિત ધરાવતાં હોય તો તેમનો રિપોર્ટ જ અવિશ્વસનીય સાબિત થઈ જાય છે, એટલું જ નહીં, આ હકીકત છૂપાવવા બદલ સેબી અધ્યક્ષે રાજીનામું પણ આપવું જોઈએ.

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ અને સેબીનાં અધ્યક્ષ માધબી બુચ વચ્ચેનો વિવાદ લાંબા સમય સુધી ચાલશે તેમ લાગે છે. સેબી ચીફ અને તેમના પતિએ અગાઉ એક સંયુક્ત નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ સેબીએ રવિવારે રાત્રે એક સત્તાવાર નિવેદન જારી કરીને આરોપોને નકારી કાઢ્યા હતા. હવે હિંડનબર્ગે આ જવાબો પર નવા પ્રશ્નો ઊભા કર્યા છે. આ પ્રશ્નો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે દસ્તાવેજો દર્શાવે છે કે સેબીના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે સેવા આપતાં માધબી બૂચે તેમના પતિના નામનો ઉપયોગ કરીને વ્યવસાય કરવા માટે તેમના અંગત ઇમેઇલનો ઉપયોગ કર્યો હતો. સેબીનાં સંપૂર્ણ સમયનાં સભ્ય તરીકે નિમણૂકનાં થોડાં અઠવાડિયાં પહેલાં માધબી બુચે ખાતરી કરી હતી કે અદાણી સાથે જોડાયેલા એકાઉન્ટ ધવલ બૂચના નામે નોંધાયેલ છે, જે તેમના પતિ છે.

માધબી પુરી બુચે IIM અમદાવાદમાંથી MBA નો અભ્યાસ કર્યો છે. તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગણિતમાં ગ્રેજ્યુએશન કર્યું છે. માધબી પુરીએ ૪ ઓક્ટોબર ૨૦૨૧ સુધી સેબીનાં સંપૂર્ણ સમયનાં સભ્ય તરીકે કામ કર્યું. આ સમયગાળા દરમિયાન માધબી પાસે બજાર નિયમન વિભાગ, બજાર મધ્યસ્થી નિયમન અને દેખરેખ વિભાગની જવાબદારી હતી. સંપૂર્ણ સમયનાં સભ્ય તરીકે માધબીએ સંકલિત મોનિટરિંગ વિભાગ, રોકાણ વ્યવસ્થાપન વિભાગ જેવા ઘણા મહત્ત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા છે. માધબી પુરી માર્ચ ૨૦૨૨થી સેબીનાં અધ્યક્ષ છે.

હિંડનબર્ગ રિસર્ચે તેના અહેવાલમાં જણાવ્યું છે કે માધબી બુચ અને તેમના પતિ ધવલ બૂચે બર્મુડા અને મોરિશિયસમાં ફંડમાં હિસ્સો લીધો હતો. IPE પ્લસ ફંડ એ ઑફશોર મોરિશિયસ ફંડ છે. તેની સ્થાપના અદાણી ડિરેક્ટર દ્વારા ઈન્ડિયા ઈન્ફોલાઈન (IIFL) દ્વારા કરવામાં આવી છે. આ બંને ફંડનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ પણ કર્યો હતો. માધાબી જ્યારે સેબીમાં મહત્ત્વના હોદ્દા પર હતી, ત્યારે તેણે શેરો વેચવા માટે તેના ખાનગી ખાતામાંથી આ ભંડોળને ઈમેલ કર્યા હતા. આમાં સેબીની અદાણી જૂથ સાથે મિલીભગત હોઈ શકે છે. કદાચ એટલે જ સેબીએ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા ઓફશોર શેરધારકો સામે પગલાં લીધાં નથી.

બ્લેકસ્ટોન નામની કંપની રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) માં મોટી રોકાણકાર છે. સેબીમાં માધબીના શાસન દરમિયાન તેમના પતિ ધવલ બૂચને બ્લેકસ્ટોન કંપનીમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ધવલ બૂચે કોઈ ફંડ, રિયલ એસ્ટેટ કે કેપિટલ માર્કેટની કોઈ ફર્મમાં કોઈ કામ કર્યું નથી. આ ક્ષેત્રમાં કોઈ અનુભવ ન હોવા છતાં તેઓ બ્લેકસ્ટોનમાં જોડાયા હતા. તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે માધબી બુચના હોદ્દાનો લાભ લેવા માટે ધવલ બુચને બ્લેકસ્ટોન કંપનીમાં ઊંચા પગારની નોકરી આપવામાં આવી હતી. માધબી બુચના નેતૃત્વ હેઠળ સેબીએ ઘણા ફેરફારો કર્યા હતા, જેનાથી REITsને ફાયદો થયો હતો.

હિંડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે માધબી બુચ એગોરા એડવાઇઝરી નામની કન્સલ્ટિંગ ફર્મમાં ૯૯ ટકા હિસ્સેદારી ધરાવતી હતી. તા. ૧૬ માર્ચ, ૨૦૨૨ના રોજ સેબીનાં અધ્યક્ષ તરીકે તેમની નિમણૂકનાં બે અઠવાડિયાં પહેલાં માધબી બુચે એગોરા કંપનીમાં તેમના શેર તેમના પતિ ધવલ બુચના નામે ટ્રાન્સફર કર્યા હતા. ધવલ બુચ એગોરા એડવાઈઝરી કંપનીમાં ડિરેક્ટર છે. એગોરા કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૨ માં કન્સલ્ટિંગમાંથી ૧.૯૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રકમ સેબીનાં સંપૂર્ણ સમયનાં સભ્ય માધબી પુરી બુચના પગાર કરતાં ૪.૪ ગણી વધુ છે.

હિંડનબર્ગ અને અદાણી કેસ ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હિંડનબર્ગના નવા રિપોર્ટના મામલે વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. નોંધનીય છે કે વિશાલ ગયા વર્ષે ૨૦૨૩ માં અરજી દાખલ કરનાર અરજદારોમાંના એક છે, જેમણે અદાણી જૂથ દ્વારા શેરબજારમાં ચાલાકી અંગે તપાસની માંગણી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સેબી ચીફે અમેરિકન શોર્ટ સેલર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હોવા છતાં આ સમગ્ર મામલે રોકાણકારોના મનમાં મૂંઝવણ અને આશંકાનો માહોલ સર્જાયો છે. આ બાબતને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે સેબીને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર આ કેસમાં ૨૪માંથી ૨૩ તપાસ પૂર્ણ થઈ ગઈ છે. હવે જ્યારે સેબીના અધ્યક્ષ ઉપર જ આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે સેબીની તપાસ જ શંકાના દાયરામાં આવી ગઈ છે.

હિંડનબર્ગ રિસર્ચ એ નાણાંકીય સંશોધન કંપની છે જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ બજારોના ડેટાનું વિશ્લેષણ કરે છે. તેની સ્થાપના નાથન એન્ડરસને વર્ષ ૨૦૧૭માં કરી હતી. હિંડનબર્ગ રિસર્ચ હેજ ફંડનો બિઝનેસ પણ કરે છે. તે કોર્પોરેટ જગતની પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે જાણીતું છે. કંપનીનું નામ ૧૯૩૭માં થયેલી હિંડનબર્ગ દુર્ઘટના પર આધારિત છે, જ્યારે જર્મન પેસેન્જર એરશીપમાં આગ લાગી હતી, જેમાં ૩૫ લોકો માર્યા ગયાં હતાં. હિંડનબર્ગનો સૌથી વધુ ચર્ચિત અહેવાલ અમેરિકન ઓટો ક્ષેત્રની મોટી કંપની નિકોલા વિશે હતો. આ રિપોર્ટ બાદ નિકોલાના શેરમાં ૮૦ ટકાનો ઘટાડો થયો હતો. નિકોલા અંગેના અહેવાલમાં વ્હિસલબ્લોઅર્સ અને કર્મચારીઓની મદદથી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. નિકોલાના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન ટ્રેવર મિલ્ટને તરત જ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું.

જો કે તાજેતરમાં હિંડનબર્ગની પોતાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊભા થયા છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ડઝનેક મોટા શોર્ટ-સેલિંગ ઇન્વેસ્ટમેન્ટ અને રિસર્ચ ફર્મ્સની તપાસ શરૂ કરી હતી. તેમાં મેલ્વિન કેપિટલ અને તેના સ્થાપક ગેબે પ્લોટકિન, નેટ એન્ડરસન અને હિન્ડેનબર્ગ રિસર્ચ સોફોસ કેપિટલ મેનેજમેન્ટ અને જિમ કેરુથર્સનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ વિભાગે ૨૦૨૧ ના ​​અંતમાં લગભગ ૩૦ શોર્ટ સેલિંગ ફર્મ્સ તેમજ તેમની સાથે સંકળાયેલા ત્રણ ડઝન વ્યક્તિઓની માહિતી એકત્રિત કરી હતી. ફેડરલ પ્રોસિક્યુટર્સે તપાસ શરૂ કરી છે કે શું મંદીનો ધંધો કરનારે અકાળે નુકસાનકર્તા સંશોધન અહેવાલો જાહેર કરીને અને ગેરકાયદેસર ટ્રેડિંગ યુક્તિઓમાં સામેલ થઈને શેરોના ભાવોને નીચે લાવવાનું કાવતરું કર્યું હતું.  ભારતમાં પણ સનસનાટી મચાવીને કમાણી કરવાની હિંડનબર્ગની યોજના હોઈ શકે છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top