વડોદરા: વડોદરા શહેરના સુસેન સર્કલથી વડસર બ્રિજ સુધીના રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો સામે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી હતી. આ અભિયાન દરમિયાન ફૂટપાથ અને માર્ગની સાઇડ પર ઊભા રહેતા હંગામી ગલ્લાઓ, લારીઓ અને દબાણો દૂર કરાયા હતા. દબાણ શાખાની ટીમે લગભગ 50થી 60 જેટલી લારીઓ સ્થળ પરથી જપ્ત કરી હતી. ફૂટપાથનો સાર્થક ઉપયોગ ન થતા તથા વાહન ચાલકો અને પગપાળા ચાલતા લોકોને હાલાકી થતી હોવાથી આ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરી અંતર્ગત વોર્ડ નં. 18 ના બીજા વિસ્તારોમાં આવેલા હંગામી દબાણો પણ આગામી સમયમાં દૂર કરવામાં આવશે. દબાણ હટાવાની કાર્યવાહી દરમ્યાન તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ જાતની અવ્યવસ્થા સર્જાય નહીં. ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા અવારનવાર આ વિસ્તારમાં દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમ છતાં દબાણો દૂર ન થતા પાલિકાની દબાણ શાખાની ટીમે આજે સપાટો બોલાવ્યો હતો. જો કે, આ લારીધારકો કોર્પોરેશનમાં પૈસા પણ ભરતા હોવાનું સામે આવ્યું છે. જે મામલે પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, ભલે તેઓ પૈસા ભરતા હતા પરંતુ રોડ પર જે પ્રકારે તેઓ ટેબલ ખુરશી ખડકી દેતા હતા તેનાથી ટ્રાફિકની સમસ્યા વધતા કાર્યવાહી કરાઈ છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ કામગીરી ચલાવવાનું દબાણ શાખાનું આયોજન છે જેથી માર્ગો ખુલ્લા રહે અને સામાન્ય જનતાને હાલાકી ન પડે.