National

સુશાંતસિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં અર્જૂન રામપાલના નજીકના વ્યક્તિની ધરપકડ

સુશાંતસિંહ રાજપૂતના આપઘાત (Sushantsinh Rajput Suicide ) બાદ બોલિવૂડમાં ડ્રગ્સના (Bollywood Drugs) ઉપયોગ વિશે ભારે વિવાદ થયા હતા. આ મામલો ખૂબ ચગતા આખરે NCB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દિપીકા પાદૂકોણ (Deepika Padukone) સહિત અનેક બોલિવુડ સેલિબ્રિટીના નામ બહાર આવ્યા હતા. હવે રહી રહીને આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ગયા વર્ષે બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો ત્યાર બાદ બોલિવૂડમાં ડ્રગ્સના ઉપયોગ અંગે વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદથી જ એનસીબી દ્વારા બોલિવૂડના ડ્રગ્સ કનેકશનો શોધવા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ અગાઉ NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ઓક્ટોબર 2020માં પણ કેટલાંક સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી હતી. NCBએ એક આરોપી પાસેથી હસીશ અને એલ્પ્રાઝોલની ટેબ્લેટ્સ પણ જપ્ત કરી હતી. આ આરોપી દક્ષિણ આફ્રિકાનો વતની હતો.

  • અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રૈબિએલા ડેમેટ્રિયડસના ભાઈ એગિલિસાઓસ ડેમેટ્રિયડસને NCBએ પકડ્યો છે
  • ગોવામાંથી ઝડપાયેલા આરોપી પાસેથી ચરસ પણ મળી આવ્યું છે
  • એગિસિયાલોસ ડેમિટ્રિએડ્સ સુશાંતસિંહ રાજપૂત કેસ સાથે સંબંધિત બોલિવૂડ ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એનસીબીએ બોલિવૂડ અભિનેતા અર્જૂન રામપાલના (Arjun Rampal) નજીકના વ્યક્તિને આજે પકડ્યો છે. અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રૈબિએલા ડેમેટ્રિયડસના ભાઈને NCBએ પકડ્યો છે. આરોપીનું નામ એગિલિસાઓસ ડેમેટ્રિયડસ છે. મુંબઈ અને ગોવાની NCBની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આજે શનિવારે ગોવામાંથી એગિલિસાઓસને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી ચરસ પણ મળી આવ્યું હોવાની વિગતો સાંપડી છે.

એનસીબીની તપાસમાં ડ્રગ્સ પેડલર પાસેથી અલિસિલાઓસના ડ્રગ્સ કનેકશન વિશે જાણકારી મળી હતી. ડ્રગ્સ કેસમાં 2020માં અગિલિયાલોસ સહિત 22 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઓક્ટોબર 2020માં અગિસિયાલોસ ડેમિટ્રિએડ્સનો સંબંધ એ ડ્રગ્સ પેડલર્સ સાથે મળી આવ્યો હતો, જેની પહેલાં પણ ધરપકડ થઈ હતી. NCBના ઝોનલ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલો આરોપી એગિસિયાલોસ ડેમિટ્રિએડ્સ સુશાંતસિંહ રાજપૂત કેસ સાથે સંબંધિત બોલિવૂડ ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. આરોપી આ કેસમાં સીધો સંડોવાયેલો હતો. તેની ધરપકડ કરાઈ હતી.

નોંધનીય છે કે અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાએ જુલાઈ 2019માં અર્જુનના પુત્રને જન્મ આપ્યો હતો. આ અગાઉ અર્જૂને પૂર્વ મિસ ઈન્ડિયા મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. તે લગ્નથી તેને બે પુત્રીઓ છે. 20 વર્ષ બાદ અર્જુન અને મહેર અલગ થયા હતા.

Most Popular

To Top