સહિયારી દીવાલના કોર્ટ કેસની અદાવતે લાકડીઓ અને ઇંટોથી હુમલો
મહિલા સહિત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત, પાંચ સામે પોલીસ ફરિયાદ
કાલોલ:
કાલોલ તાલુકાના સુરેલી ગામમાં સહિયારી દીવાલ અંગે ચાલી રહેલા કોર્ટ કેસની અદાવતને લઈને એક જ કુટુંબના સભ્યો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આરોપીઓએ લાકડીઓ અને ઇંટો વડે હુમલો કરતા મહિલા સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સુરેલી ગામના રહેવાસી ચંદુભાઈ ખાતુભાઈ ચૌહાણ અને તેમના કુટુંબી મણિભાઈ વાલાભાઈ ચૌહાણ વચ્ચે સહિયારી દીવાલ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો, જેને લઈને ફરિયાદી દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે અદાવત રાખીને મણિભાઈ વાલાભાઈ, તેમની પત્ની સવિતાબેન તથા તેમના ત્રણ પુત્રો હર્ષદ, રાહુલ અને સંજયે એકસંપ થઈને ફરિયાદીના પરિવાર પર હુમલો કર્યો હતો.
આરોપીઓએ ગંદી ગાળો બોલી લાકડીઓ અને ગડદાપાટુ વડે મારમાર્યો હતો. આરોપી સંજયે છૂટી ઇંટો ફેંકી હુમલો કર્યો હતો તેમજ લોખંડની નરાશ વડે ચંદુભાઈના ઘરના વીજ મીટરનું લોક તોડી નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે હર્ષદે મોટરસાયકલ પર લાકડીઓ ફટકારી તોડફોડ કરી હતી. હુમલા દરમિયાન પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
આ હિંસક હુમલામાં ફરિયાદીના માતા ખાનીબેન તથા ભાઈ ખુમાનભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ મામલે ચંદુભાઈ ચૌહાણે વેજલપુર પોલીસ મથકે મણિભાઈ વાલાભાઈ ચૌહાણ સહિત પાંચેય આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા