Waghodia

સુરતનો મૌલવી વડોદરા દરગાહે આવતા ગાંજાનો જથ્થો આપતો હોવાની કબૂલાત

વાઘોડિયા પોલીસે ગાંજા સાથે વડોદરાના ઈસમને ઝડપી પાડ્યો
NDPS એક્ટ હેઠળ બે સામે ફરિયાદ

વાઘોડિયા: વાઘોડિયા ટાઉનમાંથી નશાકારક માદક પદાર્થ વનસ્પતિ ગાંજાના જથ્થા સાથે વડોદરા શહેરના એક ઈસમને વાઘોડિયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખંધા રોડ પર મેલડી માતાજીના મંદિર સામે નગરી તરફ જવાના રોડ નજીક ખાંચામાં રેડ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં વડોદરા શહેરના ઇબ્રાહીમસાની ચાલી, એમઆઈએસ હાઇસ્કૂલ પાસે અજબડી મિલ નજીક રહેતા યાકુતપુરાના અનવર હુસેન ગુલામ રસુલ મન્સૂરી (ઉ.વ. અંદાજે 52)ની અંગજડતી કરવામાં આવી હતી. તેની પાસેથી 118.30 ગ્રામ ગાંજો (કિંમત રૂ. 5,915) તેમજ રોકડ રૂ. 167 મળી કુલ રૂ. 6,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે આ ગાંજાનો જથ્થો સુરત શહેરના એક મૌલવી પાસેથી મેળવ્યો હતો, જે અવારનવાર વડોદરા ખાતે અજબડી મિલ દરગાહે આવતો હતો. આરોપી વાઘોડિયા વિસ્તારમાં છૂટક વેચાણ કરવા આવ્યો ત્યારે પોલીસના હાથે ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે ગાંજાના જથ્થા અંગે NDPS એક્ટ હેઠળ અનવર હુસેન મન્સૂરી તથા સુરતના મૌલવી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વાઘોડિયા પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

Most Popular

To Top