હરીશ રાણાને દેશભરના લોકો હજી ભૂલ્યા નથી. 13 વર્ષ કોમાની સ્થિતિમાં રહ્યા બાદ તેમને નિષ્ક્રીય ઈચ્છા મૃત્યુ આપવામાં આવી હતી. આ ઘટનાની યાદો 24 એપ્રિલે ફરી તાજા થશે. 24 એપ્રિલે દેશભરના સિનેમા ઘરોમાં નિષ્ક્રીય ઈચ્છા મૃત્યુ વિષય પરની ‘મર્સી’ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની વાત આપણે અહીંયા એટલા માટે કરી રહ્યા છીએ કેમકે આ ફિલ્મની કહાની, નિર્માણ અને દિગ્દર્શન સુરતના 23 વર્ષીય યુવાન મિતુલ ભાવેશભાઈ પટેલે કર્યું છે. આદિલ હુસેન, રાજ વાસુદેવા અને નિહારિકા રાયજાદા આ ફિલ્મમાં પ્રમુખ ભૂમિકાઓમાં નજર આવશે. મર્સી ફિલ્મે અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં સરાહના મેળવી છે. જેમનું બાળપણ સુરતમાં વીત્યું તે મિતુલ ભાવેશભાઈ પટેલનું નામ આજે આ ફિલ્મને કારણે દેશભરમાં ચર્ચાનો વિષય છે. મિતુલ પટેલને આ ફિલ્મ બનાવવાની પ્રેરણા કઈ રીતે મળી, આ ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં તેમને કેટલા વર્ષ લાગ્યા, તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે તેમના પેરેન્ટ્સનો કેવો સપોર્ટ મળ્યો, આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ કેમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સરાહના પામી, મિતુલ પટેલની આ ફિલ્મે કેટલા એવોર્ડ જીત્યા ? ચાલો તેની વાતો અહીં કરીએ…..
મિતુલ પટેલની 24 એપ્રિલે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુના વિષય પરની ‘મર્સી’ ફિલ્મ રિલીઝ થશે

સુરતના યંગ ફિલ્મ ડાયરેકટ, લેખક અને પ્રોડ્યુસર મિતુલ પટેલની પહેલી ફિલ્મ ‘મર્સી’ આગામી 24 એપ્રિલે દેશભરમાં 30થી 40 સ્ક્રીન પર રિલીઝ થશે. એક કલાક 40 મિનિટની આ ફિલ્મ ફેબ્રુઆરી 2024માં શૂટ કરવામાં આવી હતી અને એડિટ થઈને ફિલ્મનું નિર્માણકાર્ય નવેમ્બર 2024માં પૂર્ણ થયું હતું. 23 વર્ષીય મિતુલે આ ફિલ્મ પર સાડા ત્રણ વર્ષ કામ કર્યું હતું. ફિલ્મમાં 5 ગીતો છે. સોનું નિગમે પણ ગીત ગાયું છે. આ ફિલ્મની પ્રેરણા પરેશ રાવલના તેમની મધર કોમામાં ચાલ્યા ગયા હતા તેના પરના એક ભાવુક ઇન્ટરવ્યૂ પરથી મળી હતી.
મિતુલ ફિલ્મ લાઇન તરફ કઈ રીતે વળ્યાં?
યંગ ફિલ્મ ડાયરેકટર મિતુલ પટેલે 12માં ધોરણ સુધીની સ્ટડી સુરતમાં કરી હતી. તેમણે જણાવ્યું કે, 10મા ધોરણના અભ્યાસ બાદ મારે મારું ભવિષ્ય કઈ દિશામાં ઘડવું છે તે નક્કી કરવાનું હતું. ફિલ્મ જોવાનો મને ખુબ શોખ હતો એટલે 12th કોમર્સના અભ્યાસ બાદ મેં ફિલ્મો તરફ વળવાનું નક્કી કર્યું અને અનેક સપના લઈને હું મુંબઈ 2020માં આવ્યો અહીં મેં બેચલર ઓફ આર્ટ્સ ઇન ફિલ્મ, ટેલિવિઝન એન્ડ ન્યૂ મીડિયા પ્રોડક્શન ( BAFTMP)નો ત્રણ વર્ષનો ડીગ્રી કોર્સ કર્યો. અમારે કોલેજમાં થિસીસ ફિલ્મ બનાવવાની હોય ત્યારે મેં આગામી 24 એપ્રિલે મારી જે ફિલ્મ રિલીઝ થવાની છે તેનું લેખન સ્ટાર્ટ કર્યું હતું. તે શોર્ટ ફિલ્મ બનવાની હતી પણ નહીં બની શકી. આ ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને હું ફિલ્મ લાઇનના ઘણા લોકોને મળ્યો જેમાં આ ફિલ્મના કો-પ્રોડ્યુસર રાજ વાસુદેવાને પણ મળ્યો હતો તેમને ફિલ્મની સ્ક્રીપ્ટ ગમી અને મારું ફિલ્મી કરિયર સ્ટાર્ટ થયું.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું, એવોર્ડ પણ જીત્યા

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 2024માં ઇન્ડિયન પેવેલીયનમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું. ફિલ્મને લંડન ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ઇટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મિતુલ ભાવેશભાઇ પટેલને બેસ્ટ ડેબ્યુ ડયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના કો-પ્રોડ્યુસર અને એકટર રાજ વાસુદેવાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન, શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ અને લવ એન્ડ હોપ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સહિત અનેક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ટ્રાવેલ કરી ચુકી છે.
માતા-પિતાનો ફૂલ સપોર્ટ મળ્યો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ આગળનું કરિયર સેટ કરશે

સુરતનું ગૌરવ બનેલા મિતુલ પટેલે જણાવ્યું કે મને ફિલ્મો તરફ વળવા માટે મારા માતા-પિતાનો ફૂલ સપોર્ટ મળ્યો છે. સ્ટડીમાં મારા ડિસન્ટ માર્ક્સ રહેતા એટલે મારા પેરેન્ટ્સને પૂરો ભરોસો હતો કે તેમનો દીકરો ભવિષ્યમાં ખૂબ સારું કરશે. મારા પેરેન્ટ્સ સુરતમાં રહે છે અને હું મુંબઈમાં મારા નાનીના ઘરે રહું છું. આ ફિલ્મ રિલીઝ થશે તેના એક બે દિવસમાં કદાચ હું સુરત આવીશ.