Vadodara

સુભાનપુરામાં વિશાળ વૃક્ષ કડડભૂસ થતા કાર સહિત વાહનો દબાયા, દુકાનને નુકસાન


( પ્રતિનિધી )વડોદરા,તા.1

વડોદરા શહેરમાં વરસાદી ટાણે અકસ્માત સહિતની વિવિધ ઘટનાનો સામે આવી રહી છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં વર્ષો જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલી કાર સહિતના વાહનો દબાઈ ગયા હતા. જ્યારે આ વૃક્ષ તૂટી પડતા દુકાન બહાર લાગેલા પતરાના શેડને પણ નુકસાન થયું હતું.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં તેજ પવનો ફૂંકાવાના કારણે જર્જરિત મકાનોનો કેટલાક ભાગ સાથે વૃક્ષ પણ તૂટી પડવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે,સુભાનપુરા વિસ્તારમાં મોટું વૃક્ષ તૂટી પડ્યું હતું પણ સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી.

શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે વિશાળ પીપળાનું વૃક્ષ એકાએક ધરાશાયી થયું હતું. જેના કારણે વૃક્ષ નીચે એક કાર અને ટુ વહીલર વાહન દબાઈ ગયું હતું. જ્યારે દુકાનની બહાર લગાવવામાં આવેલા પતરાના શેડને પણ મોટું નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટના સમયે કોઈની અવરજવર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી. વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

Most Popular

To Top